ગાંધીધામઃ સુરેન્દ્રનગરના સાયલાના ધાંધલપુર ગામની પ્રાથમિક શાળાની કન્યાઓને લઈ કચ્છના પ્રવાસે આવેલી ટ્રાવેલ્સની બસને ગાંધીધામના પડાણા રોડ પર પંચરત્ન માર્કેટ પાસે જવાહરનગર નજીક અકસ્માત નડતાં બસના કંડક્ટરનું મોત નીપજ્યું હતું.

દુર્ઘટનામાં ડ્રાઈવર-બે શિક્ષકો ઘવાયાં હતા જે પૈકી 1 શિક્ષકને ગંભીર હોઈ રાજકોટ ખસેડાયો હતો. રાજકોટની શ્રી અંબે ટ્રાવેલ્સની બસ (જીજે 14 ટી 0301) આજે સાંજે હાઈવે પર પુરપાટ વેગે જતી હતી ત્યારે આગળ જતા રાજસ્થાનના ટ્રેલરના પડખામાં ઘુસી ગઈ હતી.
જેમાં બસની કેબિનમાં બેઠેલાં ક્લિનર રતીભાઈ દેવશી સોલંકી (ઉ.વ.65)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો, રજની ગોસ્વામી નામના ડ્રાઈવર અને રાજુભાઈ, મુન્નાભાઈ નામના બે શિક્ષકોને પણ ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘાયલ રાજુભાઈ નામના શિક્ષકને સઘન સારવાર માટે પહેલાં ભુજ અને બાદમાં રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળ્યું છે. બસમાં ધાંધલપુર પ્રાથમિક શાળાની ધોરણ ચારથી આઠની 70 છાત્રાઓ પ્રવાસ કરી રહી હતી. શાળા દ્વારા નારાયણ સરોવર અને માતાના મઢનો પ્રવાસ ગોઠવાયો હતો. દુર્ઘટનાનાં પગલે બાળકીઓએ ભારે રોકક્કળ કરી દીધી હતી. બાદમાં ટ્રાવેલ્સ દ્વારા તુરંત બીજી બસમાં છાત્રાઓને રવાના કરાઈ હતી.