ટ્રેઇલર અડફેટે લેતા માતા-પિતાની નજરની સામે 8 વર્ષનું બાળક કચડાયું


ગાંધીધામ:ગાંધીધામથી મુન્દ્રા જતા અને મોટા વાહનોથી 24 કલાક ધમધમતો રહેતા ગળપાદર હાઇવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અધૂરા રાખી દેવાયેલા કામને લીધે અવાર નવાર ગોઝારો સાબિત થતો રહે છે ત્યારે આજે સવારે મીઠા પોર્ટથી એક્ટિવા પર પોતાના ભુજ જઇ રહેલા પરિવારની ગાડીમાં પંક્ચર પડ્યા બાદ આર્મી ગેટ સામે પંક્ચર સંધાવવા પગે ચાલીને જઇ રહ્યા હતા તે દરમિયાન ધસી આવેલા ટ્રેલરની અડફેટે આવી જતાં 8 વર્ષીય બાળક ટ્રેઇલરના પૈડા નીચે ચગદાઇ જતાં ઘટનાસ્થળે માતા-પિતાની નજર સામે મોત થયું હતું. આ બનાવમાં ફરિયાદ નોંધાવનાર મીઠાપોર્ટના મુસ્તાક મામદ માંજોઠીએ પોલીસને માહિતી આપી હતી કે, અકસ્માતનો ભોગ બનનાર પરિવાર કંડલાથી ભુજ તરફ એક્ટિવા પર જઇ રહ્યો હતો અને ગળપાદર હાઇવે પર નાગેશ્વર સોસાયટી પાસે આર્મી ગેટ સામે એક્ટિવામાં પંક્ચર પડતાં પરિવાર એક્ટિવા પગે ચાલીને પંક્ચરની દુકાન સુધી લઇને જઇ રહ્યા હતા ત્યારે ધસી આવેલી જીજે-12-એયુ-7075 નંબરના ટ્રેઇલર ચાલક રાજેશ સુનંદન શર્માએ એક્ટીવા અડફેટે લેતાં 8 વર્ષીય મહમ્મદ તૈયબ તાલીબ ટ્રેઇલરના પૈડા નીચે કચડાતાં ઘટનાસ્થળે માતા-પિતાની નજર સામે મોત નિપજ્યું હતું. હાલ 8 વર્ષના પુત્રના મોતના કારણે પરિવારમાં માતમ છવાયો છે. પરિવાર અંતિમ ક્રિયા કરવા ભુજ હોઇ વધુ વિગતો મળી શકી ન હતી. અગાઉ પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ હાઇવેનું કામ અધૂરુ મકેલું હોવાને કારણે અવાર નવાર ગોઝારા અકસ્માતોની ઘટનાઓ બની ચુકી છે. આ બાબતે ગ્રામજનોએ પણ ઉગ્ર દેખાવો કરી અધૂરા કામ તાત્કાલીક પૂર્ણ કરવા લડતો ચલાવી છે પણ આ હાઇવેનું કામ પૂર્ણ થતું જ નથી અને આવા ગોઝારા અકસ્માતો સતત સર્જાતા રહે છે.