મોટી ચીરઈમાં દેશી શરાબની ધમધમતી ભઠ્ઠી પર દરોડો

ગાંધીધામ : ભચાઉ તાલુકાના મોટી ચીરઈમાં’ સ્થાનિક ગુનાશોધક શાખાએ દેશી’ શરાબની ભઠ્ઠી ઝડપી પાડયા બાદ દોડતી થયેલી સ્થાનિક પોલીસે પણ કાર્યવાહી કરી હતી.આ બન્ને કાર્યવાહીમાં ત્રણ ઇસમો પકડાયા હતા અને એક ઈસમ  ફરાર થઈ ગયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર મોટી ચીરઈ ગામનાં તળાવ પાસે’ ધમધમતી દેશી શરાબની ભઠ્ઠી ઉપર એલસીબીએ ત્રાટકીને ઇસમો  રાયધણ રામા કોલી અને ભોજા વીરા કોલીને કાયદાના સકંજામાં લઈ લીધા હતા. આ કાર્યવાહી દરમ્યાન 200 લિટર ગરમ આથો, એક હજાર લિટર ઠંડો આથો, એલ્યુમિનિયમના બે ગમેલા, કરેણના ફૂલ અને 90 લિટર દેશી શરાબ સહિત રૂા. 4400નો’ મુદામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓ ભચાઉ પોલીસને સોંપવામાં આવ્યા છે.એલસીબીની કાર્યવાહી બાદ ભચાઉ પોલીસે આજે સવારે 10 વાગ્યાના અરસામાં મોટી ચીરઈમાં જ’ મકાનમાં ધમધમતી ભઠ્ઠી ઉપર દરોડો પાડયો હતો. ભૂકંપમાં બનેલા મકાનમાં દેશી શરાબનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે 18 નંબરના મકાનમાં પોલીસ ત્રાટકી હતી. આરોપી કાના જેસંગ કોલીને પોલીસે ઝડપી પાડયો હતો. 80 લિટર દેશી દારૂ, 1800 લિટર દેશી શરાબ બનાવવાનો આથો, ગોળની ચાર નંગ ભીલી અને સાધનો સહિત રૂા. 6,300નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો, આરોપી અશોકસિંહ બળવંતસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.”