હૈયું હચમચી જાય તેવો કિસ્સો: યુવક તેની પત્નીને માત્ર ૧૦૦ રૂ. આપી ન શકતા હતાશામાં ટ્રેન નીચે જીવ દીધો

લલિતપુરઃ કોરોના મહામારીની સાથે લોકડાઉનને લીધે સર્જાયેલી બેકારીએ ગરીબ -મધ્યમવર્ગના લોકોની કેડ ભાંગી નાંખી છે. દરરોજ હૃદયને હચમચાવી  દેનારા કિસ્સા સામે આવી રહ્યા છે. અહીં એક યુવક તેની પત્નીને કથિતરૂપે માત્ર ૧૦૦ રૂપિયા ન આપી શકયો. જેની પીડા તેના મનમાં એટલી ઘર કરી ગઇ કે તેણે હતાશ થઇ ટ્રેન નીચે પડતું મૂકી જીવ આપી દીધો. ઉત્ત્।ર પ્રદેશના લલિતપુર જિલ્લાના જાખલૌન વિસ્તારમાં આ ઘટના બનતા પોલીસે શબનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે અહીં જીરોન-લલિતપુર રેલવે માર્ગ પર ફાટક પાસે  ટ્રેનથી કપાયેલા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ નારાહટ વિસ્તારના ગુરયાના ગામના રહેવાસી જયહિન્દ સિંહ તરીકે થઇ છે. તેની ઉમર ૩૦ વર્ષ હતી. જયહિન્દના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમનો પુત્ર પત્ની અને બાળકો સાથે સાસરિયામાં એક લગ્ન સમારંભમાં ગયો હતો. તેની પત્નીએ ખર્ચ માટે ૧૦૦ રૂપિયા માંગ્યા હતા, જે તે આપી શકયો નહતો.