રાજસ્થાનથી ગેસ ટેન્કર દ્વારા ઘૂસાડાતો 56.33 લાખનો દારૂ ભીમાસર નજીકથી ઝડપાયો

રાપર: રાપરના ભીમાસર સુધી રાજસ્થાનથી એેલપી ગેસના ટેન્કરમાં પહોંચેલો રૂ.56.33 લાખની કિંમતનો વિદેશી દારૂ આડેસર પોલીસે વોચ ગોઠવી પકડી લીધો છે પણ આ રેડ દરમિયાન પોલીસને જોઇ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, રાપર સીપીઆઇ ડી.એમ.ઝાલા અને આડેસર પીએસઆઇ એ.પી.જાડેજાએ મળેલી બાતમીના આધારે ભીમાસર નજીક વોચ ગોઠવી હતી જેમાં વહેલી સવારે બાતમી મુજબનું રાજસ્થાનના અજમેર રોડ પર આવેલા જયપુર ભંકરોટા ના પ્રોફેશનલ મોટીવ પ્રા.લી.નું આરજે-14-જીઇ-2434 નંબરનું ટેન્કર આવતાં તેને રોકવા ઇશારો કરતાં પોલીસને જોઇ ટેન્કર ચાલક વાહન મુકી ફરાર થયો હતો. પોલીસે ટેન્કરમાં તપાસ કરતાં તેમાંથી રૂ.56,33,700 ની કિંમતના અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની 13,260 બોટલો મળી આવી હતી. પોલીસે 20 લાખની કિંમતના ટેન્કર સહિત કુલ રૂ.76,33,700 નો મુદ્દામાલ કબજે કરી ટેન્કરના ચાલક, આ દારુનો જથ્થો મગાવનાર, આ જથ્થો મોકલાવનાર અને તપાસમાં જે નિકળે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભચાઉ તાલુકાના રામપર ગામમાં રહેતો મુકેશ ઉર્ફે પપ્પુ વાઘાભાઇ સંઘાર (મણકા) એક્ટિવા પર જઇ રહ્યો હતો ત્યારે બાતમીના આધારે વોચ રાખીને ઉભેલી સામખિયાળી પોલીસે આધોઇ નજીક સરદારનગર રોડ પર રોકી બાઇક પર લટકાવેલી થેલી તપાસતાં તેમાંથી રૂ.1,575 ની કિંમતના વિદેશી દારૂની 6 બોટલ મળી આવતાં તેની અટક કરી પોલીસે એક્ટિવા અને મોબાઇલ સહિત કુલ રુ.19,075 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.