સોમાણીવાંઢમાં પાણી પુરવઠાની ઓરડીમાં જ દેશી દારૂની ભઠ્ઠી જોવા મળી

ગાંધીધામ: કોઇ પણ ગામના સીમાડે કે અવાવરૂ જગ્યા પર દેશી દારુની ભઠ્ઠી ધમધમતી હોય એ માનવામાં આવે પણ રાપરના સોમાણીવાંઢમાં આવેલી પાણી પુરવઠાની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનો પર્દાફાશ પોલીસે પાડેલી રેડમાં થતાં તર્ક વિતર્ક સર્જાયા છે. આ મુદ્દે પ્રાપ્ત માહિતી મુજબ, આડેસર પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન સોમાણીવાંઢ પાસેના પાણીના ટાંકા પાસે તેમને બાતમી મળી હતી કે, સોમાણીવાંઢમાં રહેતો ભરત રામજી કોલી વાંઢના સ્મશાન પાસે આવેલી પાણી પુરવઠા બોર્ડની ઓરડીમાં દેશી દારૂ ગાળી ધંધો કરે છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.500 ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો પણ શખ્સ ભરત રામજી કોલી દરોડા સમયે ફરાર થઇ ગયો હતો તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. હાલ પાણી પુરવઠા બોર્ડના સરકારી રૂમમાં દેશી દારૂના ધંધાર્થી દ્વારા ધંધો કરાઇ રહ્યો હોવાનું બહાર આવ્યુ઼ છે ત્યારે સવાલ એ છે કે શું આ ઓરડી બાબતે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ક્યારે ચકાસણી પણ નહીં કરાતી હોય, કેટલા સમયથી આ સરકારી જગ્યા અવાવરુ પડી છે અને કેટલા દિવસોથી આ સરકારી જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી એ તપાસનો વિષય છે. જો આવી અંતરિયાળ જગ્યાઓ ઉપર યોગ્ય તપાસ કરાય તો અનેક જગ્યાએ ગોરખધંધા થતા હોવાનું બહાર આવી શકે તેમ છે.