જૂના કટારિયા હાઇવે પર ટ્રેક્ટર અને કાર ભટકાતાં 4 ગંભીર

ગાંધીધામ: સામખિયાળી હાઇવે પર જૂના કટારિયા નજીક ટ્રેકટર કારમાં ભટકાતાં કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. માંડવી તાલુકાના મઉં ગામ ખાતે રહેતા શિક્ષક ધનજીભાઇ શામજીભાઇ ચંદે ગત સવારે તેમના માતા, પત્ની અને સંતાનો સાથે પુત્ર માટે રાખેલી માનતા પુરી કરવા મહુડી જઇ રહ્યા હતા ત્યારે લાકડીયા નજીક જુના કટારીયા ત્રણ રસ્તા પાસે પૂર ઝડપે ટ્રેક્ટર ચલાવી રોડ ક્રોસ કરી રહેલા ચાંદરોડી ગામના વેરશીભાઇ રણછોડભાઇ ચાડે તેમની કારમાં ટ્રેક્ટર અથડાવી દેતાં માતા નેણબાઇ, પત્ની નાનબાઇ,તેમની પુત્રી હસ્તી તેમજ ચાલક અજયને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને લાકડીયા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભચાઉથી સૂરજબારી હાઇવે પર અકસ્માતોની ઘટના રોજિંદી બની ગઇ છે.

ભુજ તાલુકાના નોખાણીયા ગામે રહેતો આમદ ઇબ્રાહિમ સમા (ઉ.વ.30)નામનો યુવાન ભુજ મીરજાપર રોડ પર પગે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે ટકકર મારતાં માથામાં અને હાથમાં ઇજા પહોંચી હતી. તો,  મોટી અરલ રોડ પર ભેંચ વચ્ચે આવી જવાથી બાઇક પરથી પડી જતાં ચંન્દ્રનગરના હેમરાજજી નાથુશી સોઢા (ઉ.વ.55)ને જમણા પગમાં ઇજા પહોંચી હતી.