મહારાષ્ટ્રમાં 4 મહિનામાં કુલ 651 ખેડૂતોએ કર્યો આપઘાત


મુંબઇ : મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગના આંકડાઓ અનુસાર આ વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના ચાર મહિનામાં મહારાષ્ટ્રના કુલ 651 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ વર્ષે સારો પાક, અને માફક હવામાન હોવા છતા આટલા ખેડૂતોએ કરી આત્મહત્યા ચોકાવનારી છે.આત્મહત્યાની આ ઘટનાઓમાં સૌથી વધુ 200 આત્મહત્યા ફેબ્રુઆરી મહિનામાં નોંધાઇ છે. જયારે જાન્યુઆરી મહિનામાં 195 અને માર્ચ અને એપ્રિલના લોકડાઉનના ગાળામાં કુલ મળીને 256 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી. કૃષિક્ષેત્રના નિષ્ણાતોએ પણ સામાન્ય સમયમાં અને તે પણ પ્રતિકૂળ હવામાન ન હોવા છતા અને પાક પણ સારો રહ્યો હોવા વચ્ચે ખેડૂતોની થયેલી આટલી મોટી સંખ્યામાં આત્મહત્યા વિશે ચિંતા વ્યકત કરી હતી. કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે લોકડાઉનને પગલે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો હતો. લોકડાઉનને પરિણામ ઘણા ફળ ઉત્પાદક ખેડૂતોને તેમનો તૈયાર પાક વેચવો મુશ્કેલ બની ગયો અને ભાવ ગગડી ગયા હતા. આ લોકોએ એવી ચિંતા વ્યકત કરી છે કે લોકડાઉનની અસર લાંબી ચાલશે અને ખેડૂતોનું દેવાનું ભારણ હજી વધશે. ફળોત્પાદક ખેડૂતોને તો તેમનો તૈયાર પાક લણવા મજૂરો પઇ ઉપલબ્ધ થયા નહોતા. જે ખેડૂતોએ તેમના ફળોની લણણી કરી લીધી હતી તેમને તેમના પાક મુખ્યમથક અથવા અન્ય જિલ્લામાં પહોંચાડવા ટ્રાન્સ્પોર્ટની સમસ્યા નડી હતી. આ સંદર્ભે એક કૃષિ આધ્યાપક અનુસાર તેમણે સાંગલીના એક ખેડૂતને કલિંગડ જેવા ફળ નંગ દીઠ ત્રણ રૂપિયાના ફેંકી દેવાના ભાવે વેચવા પડયા હતા. આવી જ સ્થિતિ દ્રાક્ષ ઉત્પાદકોની પણ થઇ હતી. તેમને લણણી માટે મજૂરો તો મળ્યા નહોતા પણ તેમનો માલ પણ એક્સપોર્ટ થઇ શકયો નહોતો. ખેડૂતોની આત્મહત્યાની સૌથી વધુ ઘટના અમરાવતી જિલ્લામાં બની હતી અહીં 267 ખેડૂતોએ ચાર મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. જયારે બીજા ક્રમે 231 આત્મહત્યા સાથે ઔરંગાબાદ, નાશિકમાં 88, નાગપુરમાં 54 અને પુણેમાં 11 ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું