વિશાખાપટ્ટનમમાં દવા કંપનીમાં ગેસ લીક થતા બે લોકોના મોત નિપજ્યાં

વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરીથી ગેસ લીક થવાની ઘટના ઘટી. દવા કંપનીમાં ગેસ લીકેજના કારણે કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓના મોત થયા છે. જયારે ૪ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે.આ ઘટના વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વિનય ચંદ અને એસપી આર કે મીના અન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલાત હાલ નિયંત્રમણમાં છે.આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યાં મુજબ આ ઘટના મોડી રાતે ૧૧ઃ૩૦ વાગે ઘટી હતી. ગેસ લીકેજની ઘટના ઘટતા સુરક્ષા કારણોસર તરત કંપની બંધ કરી દેવાઈ હતી.અત્રે જણાવવાનું કે વિશાખાપટ્ટનમમાં ૨ મહિનાની અંદર આ ગેસ લીકેજની બીજી ઘટના ઘટી છે. આ અગાઉ વિશાખાપટ્ટનમના ગોપાલાપાટનમ વિસ્તારમાં એલજી પોલિમર્સમાં ગેસ લીકેજ થયો હતો.