ગુજરાત બહારથી હથિયાર મંગાવી ગન ડીલર મારફત વેચવાનું કારસ્તાન ચાલતું

ગુજરાત એટીએસની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54 વધુ હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ 51 હથિયારો સાથે 14 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે પોલીસને આ હથિયાર નેટર્વકને ભેદવામાં પણ મહત્વની સફળતા મળી છે.હળવદમાં રહેતો શખ્સ રાજ્ય બહારથી હથિયાર લાવ્યા બાદ ગન ડીલર મારફત આ હથિયારોનું વેચાણ કરતો હતો.પોલીસ દ્વારા આ પ્રકરણમાં હજુ ધનિષ્ઠ તપાસ ચલાવવામાં આવી રહી છે. કચ્છમાં બે શખ્સો હથિયાર સાથે પકડાયા બાદ તેની પૂછપરછમાં આ હથિયાર અમદાવાદના ગુપ્તા ગન હાઉસવાળા તરુણ ગુપ્તા પાસેથી હથિયાર લીધા હોવાની કબૂલાત આપી હતી. બાદમાં ગુજરાત એટીએસ દ્વારા ગત 19 જુનના રોજ ગેરકાયદે હથિયારનો વેપલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો. આ પ્રકરણમાં 54 આર્મ્સ હથિયારો સાથે કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ હથિયારો એકાદ-બે વર્ષ અગાઉ અમદાવાદના જોધપુર ગામ રોડ પર રામદેવ નગરમાં આવેલા તરુણ ગન હાઉસના માલિક તરુણ ગુપ્તા પાસેથી ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન ગઈકાલ ગુજરાત એ.ટી.એસ.ના ડીવાયએસપી બી.પી.રોજીયા,પી.આઈ જે.એન.ગોસ્વામી તથા એટીએસની ટીમે રાજુલા (સુરેન્દ્રનગર), હળવદ (મોરબી), રાપર, ભચાઉ, અબડાસા (કચ્છ-ભુજ), ગાંગડ(અમદાવાદ) સહિતની અલગ અલગ જગ્યાઓ પર એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરી કુલ 14 આરોપીઓને 51 જેટલા હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં તરૂણ દેવપ્રકાશ ગુપ્તા, બોડકદેવ, અમદાવાદ,બુટીયા મુકેશ દાનુભાઈ, માણપુર, પાટડી, સુરેન્દ્રનગર,દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલા, હળવદ, બારાવાડ, મોરબી, ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરી, બોપર રિંગ રોડ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, અમદાવાદ,ઇમત્યાઝખાન ઇલમખાન પઠાણ, ગાગડ, બાવળા, અમદાવાદ, અનસ કાસમ માજઠી, ત્રાયાડ, ભુજ, પઠીયાર હાફિઝ કાસમભાઈ, અબડાસા, કચ્છ,ગફુર ઉર્ફે તુલ્લા કેસરભાઈ પઠીયાર, ભુજ, જાડેજા મનિહરસિંહ વિક્રમસિહ, ગલીયાણા, ભચાઉ, ભાવિનસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલા, રાણીપ અમદાવાદ,મુકેશભાઈ મણિલાલ કારિયા, ભચાઉ,હકુમતસિંહ રણજીતસિંહ જાડેજા, ભચાઉ, જાડેજા અરવિંદસિંહ રણુભા, રાપર કચ્છ,ગીરીશભાઈ હેમરાજભાઈ ઠક્કર, મેઘપર અંજાર, કચ્છ નો સમાવેશ થાય છે.
આ બાબતે એટીએસના વડા ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ એક કેસમાં આટલી સંખ્યામાં હથિયાર પકડાયાનો આ પ્રથમ કિસ્સો છે.આ પૂર્વે 90 ના અંતમાં અમદાવાદના મિર્ઝાપુરમાં એક કેસમાં 69 હથિયારો કબ્જે લેવાયા હતા.
આ બાબતે માહિતી આપતા ડીવાયએસપી બી.પી.રોજીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,પકડાયેલા આરોપી પૈકી હળવદના દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલા વિદેશી બનાવટના વેપન બહારથી લાવી ગુજરાતમાં તેને વેચવાનું નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. હળવદના બરાવાડના રહેવાસી દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલાની અગાઉ તાલુકા પંચાયતનો સદસ્ય પણ રહી ચુક્યો છે.આ દિગ્વિજયસિંહ રાજય બહારથી હથિયાર લાવી ગન ડીલર તરુણ ગુપ્તા અને મુકેશ બુટીયાને હથિયાર આપતો હતો.અને આ રીતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં હથિયાર સપ્લાય કરવાનું નેટવર્ક ચાલતું હતું.