વર્ષ પહેલા થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી વિગોડીમાં 3 ઇસમોએ યુવાનને માર માર્યો

ભુજ : કચ્છના અબડાસા, નખત્રાણા, માંડવી અને ભુજ તાલુકાના ગામોમાં નજીવી બાબતે થયેલી તકરારોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મારામારી અને હુમલાના બનાવો બન્યા હતા. નખત્રાણા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વિગોડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો. બાર મહિના પૂર્વે થયેલા પારીવારીક ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓએ યુવાનને પાઈપ અને લાકડીથી ફટકાર્યો હતો. ફરિયાદી મુબારક ફકીરમામદ નોડેએ અબ્દુલ જાકબ નોડે, કાસમ જાકબ નોડે અને જાકબ આમદ નોડે સામે ફરિયાદ લખાવી છે. જેમાં બાર મહિના પૂર્વે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીને લોખંડના પાઈપ અને લાકડી વડે મારમારી ઈજા પહોંચાડી હતી જે અંગે ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ માંડવી તાલુકાના દરશડીમાં નશામાં ધુત પતિએ પત્નીને માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીએથી મળતી માહિતી મુજબ દરશડીના વાડી વિસ્તારમાં બાબુભાઈ જોગી નામના શખ્સે પોતાના ઘરે દારૂ પીને આવી પત્નીને લોખંડની પાઈપથી માર માર્યો હતો. તેઓ સામે મિત્ર મનુ મીઠુ જોગી આવ્યો હતો. જે પણ નશામાં હતા અવારનવાર દારૂ પીને આવી માનસિક શારીરિક ત્રાસ અપાતો હોવાનું પુત્રએ હોસ્પિટલ ચોકીએ જણાવ્યું છે.
દરમ્યાન જખૌના વિંગાબેર ગામે યુવતીને પગમાં કુહાડી ઝીંકાઈ હતી. ફરિયાદી પૂજાબા જીવુભા સરવૈયા અને માતા તેઓના દાદાના ફળિયામાં કચરો સાફ કરતા હતા ત્યારે આરોપી વિરમસિંહ પાચુભા સરવૈયા અને ઉપેન્દ્રસિંહ પાચુભા સરવૈયાએ આવીને ઝઘડો તકરાર કરી ગાળો આપી હતી. દરમ્યાન આરોપીએ યુવતીના હાથમાંથી કુહાડી લઈ તેણીને પગના ભાગે મારી ઈજા પહોંચાડી લાકડી વડે માર માર્યો હતો. જેથી જખૌ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. દરમ્યાન ભુજ તાલુકાના મેઘપરમાં આધેડના માથામાં લોખંડની ટામી મારી હુમલો કરાયો હતો. મારી બેનને અમારા ઘરે કેમ પાછી મોકલાવી તેવું કહી ગાળો આપી. મુન્દ્રાના રામાણીયાના રાણાભાઈ વાછીયાભાઈ મહેશ્વરીએ ગાગજીભાઈ વાછીયાભાઈ મહેશ્વરી (ઉ.વ.૭૦)ને મારમારી ઈજા પહોંચાડી હતી.