કરોડોનું ચરસસાથે કચ્છ ની સરહદે પકડાયેલા પાકિસ્તાનીનું બીમારીથી મોત

કચ્છના સાગરને જોડતી આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીકના ભારતીય હદના વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં એક હજાર કરોડ રૂપિયાથી વધુના કેફીદ્રવ્ય ચરસના જથ્થા સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની નાગરિકો પૈકીના 35 વર્ષની વયના અબ્દુલ્લ કરીમ અબ્દુલ્લા ભટ્ટીનું મગજની બીમારીના કારણે મૃત્યુ થયું હતું. ગત તા. 13મી જાન્યુઆરીના ડી.આર.આઇ.એ આપેલા ઇનપુટ બાદ ભારતીય તટરક્ષક દળ અને રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ દ્વારા હાથ ધરાયેલાં ઓપરેશનમાં અબ્દુલ્લ કરીમ ભટ્ટી તેના ચાર પાકિસ્તાની સાગરિતો સાથે પકડાયો હતો. હાલે તે ભુજ નજીકની પાલારા જેલમાં હતો. દરમ્યાન ગઇકાલે તેને મગજની તકલીફ વધી જતાં સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં આજે તેણે દમ તોડયો હતો.મહત્ત્વના અને ગંભીર કેસના વિદેશી નાગરિકનું મૃત્યુ થવાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના હોસ્પિટલે દોડી ગયા હતા. આ બાબતે ભુજ બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત મોત તરીકે નોંધ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે.’ જાન્યુઆરી મહિનામાં ચરસના એકાદ હજાર કરોડથી વધુની કિંમતના પેકેટો સાથે અબ્દુલ્લ અને તેના ચાર પાકિસ્તાની સાગરિતો પકડાયા હતા. આ સમયે આ પાકિસ્તાનીઓએ સંખ્યાબંધ ચરસના પેકેટ સમુદ્રમાં નાખી દીધાં હતાં. આ પછીના સમયગાળામાં એકબાજુ સુરક્ષાને સંલગ્ન તંત્રો અને એજન્સીઓ દ્વારા પેકેટો શોધવા માટે સમુદ્રમંથન જેવી કાર્યવાહી હાથ ધરાઈ હતી તો આ પછીના સમયગાળામાં વિવિધ દરિયા કિનારેથી ચરસના પેકેટ બિનવારસુ હાલતમાં તણાઇ આવેલી હાલતમાં મળવાનો સિલસિલો ચાલુ થયો હતો, જે હજુ બરકરાર રહ્યો છે.’ ‘બીજીબાજુ મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પેનલ તબીબ દ્વારા હાથ ધરાઇ છે. જેનો અહેવાલ આવ્યે તેને મગજની શું તકલીફ હતી તે સ્પષ્ટ થશે.