મેઘપર બોરીચીગામના યુવાને સાથી કામદારોના ત્રાસથી દુકાનના ગોદામમાં ગળે ફાસો ખાઈ લીધો

ગાંધીધામ શહેરમાં સેકટર નંબર નવ ખાતે ગોકુલ હોટલ પછવાડે ટાટા સ્પેરપાર્ટ દુકાનમાં કામ કરતા મેઘપર (બોરીચી)ના જયેશ માલી નામના યુવકની આત્મહત્યાનો કિસ્સો આજે સવારે બહાર આવ્યો હતો. પોલીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આજે સવારે સાડા આઠથી સાડા નવ વાગ્યા દરમ્યાન આ હતભાગીએ દુકાનના ગોદામમાં જઇ પંખામાં રસ્સી વડે લટકી જઇને જીવ દીધો હતો. મરનારની સગાઇ થઇ ગયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસનીશ પોલીસ અધિકારીએ આ સંબંધી વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે મરનાર જયેશ માલીએ આત્મહત્યા કરતાં પહેલાં ચિઠ્ઠી લખી હતી. આ સ્યૂસાઇડ નોટમાં તેને તેની સાથે દુકાનમાં કામ કરતા રાહુલ શર્મા અને વિપુલ ચૌધરીની કનડગત હોવાનું અને તેના કારણે તે આ પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું છે.કચ્છ માર્કેટીંગ નામની દુકાનમાં કામ કરવા દરમ્યાન રાહુલ અને વિપુલ મરનાર જયેશને ધાકધમકીઓ કર્યા કરતા હતા. તેનો મોબાઇલ પણ હેક કરીને તેનો દુરુપયોગ પણ કરતા હતા. તો રાહુલ અને વિપુલ લાંબા સમયથી આ કનડગત સાથે દુકાનમાંથી ચોરી પણ કરતા હતા અને તેઓ અલગ દુકાન પણ કરવાના હતા. આ પ્રકરણમાં બન્ને જણ જયેશને ફસાવી દેવાની ફિરાકમાં પણ હતા. આ સ્થિતિથી તંગ બનીને પોતે આત્મહત્યા કરી રહયો હોવાનું જણાવી જયેશે ચિઠ્ઠીમાં એવું પણ લખ્યું છે કે દુકાનના સી.સી. ટી.વી. કેમેરા તપાસવામાં આવે તો આ બાબતની સાબિતી મળી રહે તેમ છે