નખત્રાણાના રોહામાં વીજલાઈનમાં અથડાવાથી વધુ 2 રાષ્ટ્રીય પક્ષીના મોત નિપજ્યાં

ભુજ : કચ્છમાં પવનચક્કીની વીજલાઈનો રાષ્ટ્રીય પક્ષીઓ માટે મોતના માંચડા સમાન હોય તેમ આજે ફરી એકવાર વીજલાઈનમાં અથડાવાથી વધુ બે રાષ્ટ્રીય પક્ષીના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. દસ દિવસ સુધી મોતના બનાવો અટકયા બાદ ફરી સિલસિલો શરૂ થતા પક્ષી પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જાણકાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના રોહા ગામે પવનચક્કીની વીજલાઈન અને વીજપોલના કારણે બે રાષ્ટ્રીય પક્ષીના મોત નીપજ્યા છે જેમાં એક મોર અને ઢેલનો સમાવેશ થાય છે. સામે આવેલી તસવીરો મુજબ પવનચક્કીના વીજપોલમાં અથડાઈ જવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું છે. તો ઢેલનો મૃતદેહ જમીન પર પડેલો જોવા મળ્યો હતો. કરંટ લાગવાથી પક્ષી નીચે પટકાયું હોવાનું માનવામાં આવે છે. કચ્છમાં ખાનગી કંપનીની વીજલાઈનોના કારણે રાષ્ટ્રીય પક્ષીના મોત થઈ રહ્યા છે. આ બાબતે નક્કર પગલા ભરાય તે જરૂરી છે. નોંધનીય છે કે, રોહા-સુમરી વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર-ઢેલના મોતની ઘટનામાં એકાએક ઉછાળો આવતા કલેકટર દ્વારા આ વિસ્તારમાં વીજલાઈનો અંડર ગ્રાઉન્ડ કરવા આદેશ આપી પાવર બંધ કરાયો હતો. જે બાદ અન્ય વિસ્તારમાં આજે પક્ષીના મોતની ઘટના સામે આવી છે.
આ બાબતે પશ્ચિમ કચ્છ વન વિભાગના એસીએફ તુષાર પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, નખત્રાણાના રોહામાં આજે બે રાષ્ટ્રીય પક્ષીના મોત થયા છે. જેમાં એક મોર અને એક ઢેલનો સમાવેશ થાય છે. વીજલાઈનમાં અથડાઈ જવાથી કે કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાના પ્રાથમિક અહેવાલ છે. બંને પક્ષીના મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે જે બાબતની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. રોહા(સુમરી) વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષીના મોત બાદ વીજલાઈન અંડર ગ્રાઉન્ડ કરવા આદેશ થયા બાદ પાવર બંધ કરાયો હતો જે વિસ્તારમાં મોતની ઘટના બની નથી પણ અહીંથી થોડે દુર રોહાના વિસ્તારમાં આજે ઘટના બની હોવાનું ઉમેર્યું હતું.
કચ્છમાં પવનચક્કીની વીજલાઈન, વીજપોલના કારણે રાષ્ટ્રીય પક્ષી તેમજ અન્ય પક્ષીઓના મોત થઈ રહ્યા છે. જે ઘટના ચિંતાજનક છે. કુદરતી સંપદા બચાવવા સમગ્ર કચ્છમાં વીજલાઈનો અંડર ગ્રાઉન્ડ કરવામાં આવે તેવી માંગ જીવદયા પ્રેમીઓમાંથી ઉઠવા પામી છે.