નાની નાગલપર ગામથી 16 વર્ષીય સગીરાનું અપહરણ

અંજાર:અંજાર તાલુકાના નાની નાગલપર ગામથી માનસિક બીમાર 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી લઈ જતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ અનુસાર અંજાર પોલીસ સ્ટેશનેથી 16 વર્ષીય સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને ટાંકીને મળતી વિગતો અનુસાર ગત તા. 30/6ના સગીરાના પિતા વહેલી સવારે 4 વાગ્યે ગૌશાળા ગયા હતા અને 6 વાગ્યા બાદ પરત આવતા તેમની 16 વર્ષીય સગીર પુત્રી ઘરમાં જોવા મળી ન હતી. જેથી તેની શોધખોળ આરંભી હતી. તેમ છતાં તે મળી આવી ન હતી. બાદમાં તેની સંતરામપુર તાલુકાના ઉંબેર ગામે રહેતા રવિ વિનુભાઈ રાવતનો ફોન આવ્યો હતો અને બંને જણા સાથે ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની 16 વર્ષીય સગીર પુત્રી માનસિક બીમાર છે અને તેની સારવાર પણ ચાલી રહી છે. આરોપી રવિ તેનો સંબંધી છે અને અગાઉ ફરિયાદી સાથે જ તે સાતેક મહિના સુધી કામ કરી ચુક્યો હતો અને તે સમયે સગીરાના સંપર્કમાં આવ્યો હતો. જે સંદર્ભે તા. 30/6ના સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ગયો હતો. જેથી આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.