પાલનપુરમાં યુવાનની લાશના કિસ્સાનો ભેદ ઉકેલાયો : પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા કરાઇ હતી

પાલનપુર ખાતે આકેસણ રોડ નજીક આવેલી અક્ષતમ સોસાયટી નજીકથી ત્રણ દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળવાની ચકચારી ઘટનાનો બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી દીધો છે. જેમાં યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું ખુલતાં પોલીસે બે આરોપીઓની અટક કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાલનપુર શહેરના આકેસણ રોડ ઉપર અક્ષતમ સોસાયટી પાસેથી બુધવારે સુરજપાર્ક સોસાયટીમાં રહેતા ધ્રુવકુમાર લલીતભાઈ મકવાણાની લાશ મળી હતી. આ અંગે જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ આર. કે. સોલંકીએ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક એ યુવક હોવાનું ખુલ્યું હતું. જે થોડા દિવસથી ગુમ થયો હતો. આ ઘટનામાં પરિવારજનોએ યુવકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે તપાસ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ. પી. પરમારે હાથ ધરી હતી. જેમણે ઇનચાર્જ એસઓજી પીઆઇ એન. એન. પરમાર સાથે મળી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો હતો. જેમાં યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૂળ ડીસાના મુડેઠાના અને હાલ આકેસણ રહેતા પ્રહલાદજી જેણાજી રાઠોડ અને તેમજ મૂળ પાટણના સરસ્વતી તાલુકાના વામૈયાના અને હાલ આકેસણ ગામે રહેતા લાલસિંગ સોમાજી પરમારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. યુવકને આડા સંબંધની શંકા રાખી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ આકેસણ ગામે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભાગે ખેતર વાવતા હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.