ખડાણામાં યુવકની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઇ

પેટલાદ તાલુકાના ખડાણા ગામે રહેતા એક યુવાનની ઘરની નજીક આવેલા નીલગીરીના ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. કોઈ શખ્સોએ રાત્રીના સુમારે ખાટલામાં સુતેલા યુવાનના ગળાના ભાગે તી-ણ હથિયારના ઘા મારતાં તેનું મોત થયું હતું. પેટલાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખડાણા ગામે આવેલા ચૌહાણપુરા વિસ્તારના ચૌહાણ ફળિયામાં રહેતો દિનેશભાઈ નટુભાઈ ચૌહાણ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સુમારે પોતાના ઘરથી વીસેક મીટર દૂર આવેલા ખેતરમાં ખાટલો નાંખીને સુઈ ગયો હતો.
તેણીની પત્નીએ ઊઠીને પતિને વર્ધીમાં જવાનું હોય ખેતરમાં ઉઠાડવા ગયા હતા. જ્યાં પતિ દિનેશભાઈ અને ખાટલો પણ જોવા મળ્યો નહોતો. જેથી સસરા નટુભાઈને જાણ કરતાં તેઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં નજીકમાં જ આવેલા મફતભાઈ પ્રભાતભાઈ ચૌહાણના નીલગીરીવાળા ખેતરમાં દિનેશભાઈ (ઉ. વ. ૩૨)ખાટલાની અંદર જ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાન અને પેટલાદ રૂરલ પોલીસને કરવામાં આવતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તબીબોએ તપાસીને દિનેશભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તપાસ હાથ ધરતાં કોઈ શખ્સોએ ગળાના ભાગે તી-ણ હથિયારના નાના-મોટા ઘા મારીને હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.