રાજકોટમાં મેઘરાજાની મહેર: ૭ ઈંચ વરસાદ

રાજકોટમાં બે દિવસથી મેઘરાજા મન મુકીને મહેર વરસાવી રહ્યા છે. આખી રાત વરસાદ પડયા બાદ આજે સવારથી બપોર સુધી પણ અનરાધાર વરસાદ પડયો હતો. બપોર સુધીમાં શહેરમાં ૭ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું ફાયર બ્રિગેડનાં રેકોર્ડ પર નોંધાયું છે. સામાન્ય વરસાદે પણ મહાપાલિકાની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે અને સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. હજી બે દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે.ગઈકાલે રવિવારે રાજકોટમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરનાં વેસ્ટ ઝોનમાં ૫૪ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૩૯ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૩૪ મીમી વરસાદ પડયો હતો. આખીરાત ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. બપોરે ૨ વાગ્યા સુધીમાં શહેરનાં વેસ્ટ ઝોનમાં ૮૧ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૯૩ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૧૩૦ મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો. બે દિવસ દરમિયાન શહેરમાં ૭ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગઈકાલે રાત્રે ધીમીધારે પડેલા વરસાદનાં કારણે લક્ષ્મીનગરનું નાલુ, પોપટપરાનું નાલુ પાણીથી ચીકાર ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. કોઈ વાહન ચાલક જોખમ ઉઠાવે અને કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સામાન્ય વરસાદમાં પણ શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. વરસાદી પાણીનાં નિકાલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા તેને દુર કરવા માટે મહાપાલિકા દ્વારા તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજ સુધીમાં શહેરમાં મોસમનો કુલ ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજકોટ ઉપરાંત જિલ્લામાં પણ સવારથી વરસાદ વરસી ગયો છે. બપોર સુધીમાં ઉપલેટામાં ૧૨ મીમી, કોટડાસાંગાણીમાં ૨૨ મીમી, ગોંડલ અને જેતપુરમાં ૮ મીમી, જસદણમાં ૨૩ મીમી, કોટડાસાંગાણીમાં ૪૩ મીમી, પડધરીમાં ૭૭ મીમી અને લોધીકામાં ૨૫ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.