જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ગઈકાલે ફરી એકવાર વરસાદનું આગમન થયું હતું. કાળા ડીબાંગ વાદળો વચ્ચે અડધાથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે એટલાક ગામડાઓમાં પાણી ભરાયા હતા. ગઈકાલે જોડિયા, ધ્રોલ, કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં વરસાદ વરસ્યો હતો. જામનગર જીલ્લામાં ગઈકાલે ફરી મેઘ સવારી આવી પહોચી હતી. જામનગર તાલુકાના જામવંથલીમાં 10મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જોડીયાના બાલંભામાં અડધો ઇંચ (14મીમી) જયારે પીઠડમાં બે ઇંચ (55મીમી), ધ્રોલના લતીપુરમાં પોણા બે ઇંચ (44મીમી) અને લૈયારામાં દોઢ ઇંચ (38મીમી) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના નીકાવામાં અઢી ઇંચ (65મીમી), ખરેડીમાં દોઢ (40મીમી), ભ.ભેરાજામાં દોઢ (35મીમી), નવાગામમાં બે ઇંચ (55મીમી), મોટા પાંચદેવડા અને મોટા વડાળામાં પોણા બે ઇંચ વરસાદ સતાવાર નોંધાયો છે. જયારે જામજોધપુરના સમાણામાં અડધો (15મીમી), શેઠ વડાળામાં દોઢ ઇંચ (32મીમી), જામવાડીમાં સવા ઇંચ (29મીમી), વાંસજાળિયામાં દોઢ (34મીમી), ધુનડામાં એક ઇંચ (27મીમી), ધ્રાફામાં પોણા ચાર ઇંચ (93મીમી), પરડવામાં પોણો ઇંચ (20મીમી) વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકામાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું અને પીપરતોળામાં (12મીમી), ભણગોરમા(17મીમી) અડધો-અડધો ઇંચ જયારે મોટા ખાડબામાં દોઢ ઇંચ (35મીમી) વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.