બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લાની માહે જુન-૨૦૨૦ અંતિત “દિશા” કમિટીની બેઠક COVID-19 ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ વિડીયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સાંસદશ્રી, સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાનાંઅધ્યક્ષ સ્થાને તા.૧૩/૦૭/૨૦૨૦નાં રોજ યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદશ્રી ડૉ. ભારતીબેન શિયાળ–ભાવનગરથી અને ધારાસભ્યશ્રી રાજેશકુમાર ગોહિલ ધંધુકાથી વિડીયો કોન્ફરન્સીંગમાં હાજર રહેલ હતા. ઉપરાંત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં પ્રમુખશ્રીઓ સહિતનાં પદાધિકારીશ્રીઓ સબંધિત તાલુકા મથકેથી વિડીયો કોન્ફરન્સિંગમાં હાજર રહયા હતા.

આ બેઠકમાં સભ્ય સચિવ -વ- કલેકટરશ્રી વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંઘ સાંદુ, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આઈ.વી. દેસાઈ તથા જિલ્લા અને તાલુકા કક્ષાનાં યોજનાકીય અમલીકરણ અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા.

દિશા કમિટીની આ બેઠકમાં કુલ ૪૨ પ્રકારના અલગ અલગ એજન્ડા મુજબની યોજનાઓ, આંતર માળખાગત સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યક્રમો તથા “પંચાયત દર્પણ” અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએથી અધ્યક્ષશ્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા અને રજુ થયેલ પ્રશ્નોનું ઝડપથી પરિણામલક્ષી નિરાકરણ કરવાં અંગે કલેકટરશ્રીએ ખાતરી આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દિશાની ગાઈડ લાઈન મુજબના વિવિધ વિભાગોની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિશેષ કામગીરી અને યોજનોની લક્ષ્યાંક સિદ્ધિઓ માટે સુક્ષ્મ આયોજન કરી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોચાડવા માટે દિશાના અધ્યક્ષશ્રી દ્વારા જીલ્લા વહીવટી તંત્રને બંને સાંસદશ્રી દ્વારા પુરતો સહયોગ આપવા જણાવ્યું હતું તેમજ  બંન્ને  સાંસદશ્રી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માંટેની તમામ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ જિલ્લા વહીવટી તંત્રને ચાલુ વર્ષમાં સરકારશ્રી દ્વારા મળેલ લક્ષ્યાંકોમાં ૧૦૦% સિદ્ધિ મેળવી જિલ્લાને રાજ્યમાં મોખરાનું સ્થાન અપાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંઘ સાદું દ્વારા જીલ્લા પંચાયતને લગતી યોજનાઓમાં સરકારશ્રી તરફથી નાણાંકીય ગ્રાન્ટની સરળતા મળે અને યોજનાની પ્રગતિમાં ઝડપ લાવવા જણાવ્યું હતું.

 આ બેઠકમાં જે વિભાગો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી, તેઓને બીરદાવવામાં પણ આવ્યા હતા તેમજ શહેરી અને ગ્રામ્ય કક્ષાએ અમલવારી થઈ રહેલી સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના અને મિશન મંગલમ, મનરેગા, વોટરશેડ ઉપરાંત ગ્રામ્ય સડક, વીજળી, આરોગ્ય, ખેતી, શિક્ષણ, બાળવિકાસ, મધ્યાહન ભોજન અને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમોની યોજનાકીય સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એમ. આર. પરમાર, નાયબ કલેકટરશ્રી રાજેશ્રીબેન વંગવાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આશિષ મિયાત્રા, જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રીજેશ જોશી સહિત સબંધિત ખાતાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.    

દિશા કમિટીની વિડીયો કોન્ફરન્સીંગ બેઠકના સુચારૂ આયોજન અને સંકલનની કામગીરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં એપીઓશ્રી વિશાલ લોડલિયા દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ, બરવાળા