રાજ્ય પર અવિરત વરસતું હેત : 193 તાલુકામાં ઝાપટાથી ચાર ઇંચ મેઘમહેર

રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી જવાની આગાહી વચ્ચે સતત સાતમા દિવસે ઝાપટાથી ચાર ઇંચ સુધી મેઘમહેર નોંધાઈ હતી. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં યથાવત રીતે જોર વધું રહ્યું હતું તો ત્રણ દિવસના ગાળા બાદ પ્રથમવાર 193 તાલુકામાં વરસાદ નોંધાતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળેલ છે. અષાઢ મહિનાનાં આરંભ પહેલા જ શરુ થયેલાં વરસાદના દૌરમાં ચાલુ સપ્તાહના અંત સુધીમાં જોવા જઇએ તો જિલ્લાવાર નોંધાયેલા વરસાદના સરેરાશ આંકડામાં દ્વારકા જિલ્લામાં 152.04, પોરબંદર જિલ્લામાં 104.24, જામનગર જિલ્લામાં 96.38, કચ્છ જિલ્લામાં 80.38 જ્યારે રાજ્યભરના અનેક જિલ્લામાં 10 થી 60 ટકા વચ્ચે મેઘમહેર નોંધાઈ જતા જળસંકટ તણાવા સાથે વાવણી પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળે છે. આજે પૂરા થતાં 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદી આંકડામાં સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક ઝાપટાથી બે ઇંચ સુધી તો ગ્રામ્ય પંથકમાં પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં ચાર ઇંચ નોધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ઝાપટાથી બે ઇંચ, દક્ષિણ ગુજરાતના અન્યત્ર ઝાપટાથી બે ઇંચ, કચ્છમાં ઝાપટાથી અડધો ઇંચ, જ્યારે સૌરાષ્ટ્રમાં ઝાપટાથી બે ઇંચ સુધી હેત વરસ્યું છે. સૌરાષ્ટ્રમાં માણાવદરમાં પોણા બે ઇંચ, વંથલીમાં પોણા બે ઇંચ, જામજોધપુરમાં પોણા બે ઇંચ, ભાવનગરના મહુવામાં પોણા બે ઇંચ, કોટડાસાંગાણીમાં દોઢ ઇંચ, ગઢડામાં દોઢ ઇંચ, કુતિયાણામાં સવા ઇંચ, જામકંડોરણામાં સવા ઇંચ જ્યારે લીંબડી, ગોંડલ, રાજકોટ, જામનગર, રાણાવાવ, રાજુલા, લાઠી, ખાંભા, મેંદરડામાં 1-1 ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે અન્યત્ર તમામ તાલુકામાં ઝાપટાથી પોણો ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
દરમિયાન, હળવા ચોમાસાની તિવ્રતા ચાલુ હોવાના કારણે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી જવાના સંકેત હવામાન વિભાગે આપ્યો છે સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં જોર વધુ રહેતા મોટાભાગે ભારેથી અતિભારે તો અમુક સ્થળે અતિશય ભારે વરસાદ વરસી જવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.