ભચાઉના નંદગામ ચોકડી નજીક SBIના ATMમાંથી લૂંટનો પ્રયાસ

રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ત્રાટકેલા લૂંટારૂઓએ ગેસ કટરથી એટીએમ તોડવા કર્યો પ્રયાસ : બનાવને પગલે ભચાઉ વિભાગના ડીવાયએસપી, ભચાઉ પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી
(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : કચ્છમાં એટીએમ લૂંટવાના પ્રયાસના બનાવો વધી રહ્યા છે, બેન્કોની સલામતી જોખમાઈ છે, તેવામાં ભચાઉના નંદગામ ચોકડી પાસે એસબીઆઈ બેન્કની શાખાની બાજુમાં જ બેન્કના એટીએમને લૂંટવાનો પ્રયાસ થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એટીએમ લૂંટવાનો પ્રયાસ કરતા ભચાઉ પોલીસે તપાસ આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉના નંદગામ ચોકડી પાસે વરસાણા પુલની નીચે આવેલી એસબીઆઈ બેન્કની શાખામાં એટીએમ લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો. એસબીઆઈ બેન્કની શાખા સાથે જ આવેલા એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. નાની ચીરઈના સરપંચ લક્ષ્મણભાઈ આહિરે માહિતી મુજબ રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં એટીએમ લૂંટવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરોએ એટીએમના દરવાજાના કાચ તોડીને ગેસ કટરથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા બેંક મેનેજર દ્વારા ભચાઉ પોલીસને તાકીદ કરાઈ હતી, જેને પગલે ભચાઉ પીઆઈ શ્રી કરંગીયા, પીએસઆઈ શ્રી મકવાણા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.
બનાવ અંગે એટીએમ લૂંટવા આવેલા ત્રણેક તસ્કરોએ પથ્થરમારો કરતાં ચોકીદાર નાસી ગયો ભચાઉ : નંદગામ ચોકડી પાસે એટીએમ લૂંટના પ્રયાસની ઘટના બની હતી, જેમાં રાત્રે આવેલા લૂટારૂઓએ પ્રથમ પથ્થરમારો કરતાં ચોકીદાર નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ તપાસ માટે પહોંચેલી પોલીસને બેંક મેનેજર દ્વારા વિગતો અપાઈ હતી, જેમાં આરોપીઓએ પથ્થરમારો કરીને બેંકના એટીએમના દરવાજાના કાચ તોડી પાડ્યા હતા. પથ્થરમારો થતા ચોકીદાર જીવ બચાવીને નાસી ગયો હતો. બાદમાં તસ્કરોએ સીસી ટીવી કેમેરામાં કેબલ કાપીને ગેસ કટરથી એટીએમ તોડવા પ્રયાસ કર્યો હતો, જો કે બનાવ પૂર્વે સીસીટીવી કેમેરામાં ઘટના રેકોર્ડ થઈ હોવી જોઈએ ત્યારે પોલીસે હાલ તો સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરીને તપાસ આદરી છે.