કચ્છમાં વાતાવરણમાં આવ્યો પલટોઃ ૬ તાલુકામાં ભારે પવન સાથે ઝાપટા પડ્યા

ભુજ, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા, રાપર તાલુકામાં મેઘરાજાએ પુરાવી હાજરી ભુજ:રવિવાર સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આજ સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભુજ, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા, રાપર તાલુકામાં ભારે પવન ફુકાયા બાદ ઝાપટા વરસ્યા હતા તો અન્યત્ર ધુપ-છાંવની સ્થિતિ જોવા મળી હતી.સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગઈકાલે દિવસ દરમિયાન અનુભવાયેલા ભારે ઉકળાટ વચ્ચે રાત્રિથી વાતાવરણમાં પરિવર્તન શરૂ થયું હતું. આજે સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં થોડી મિનિટો માટે ભારે પવન ફુકાય હતો જે બાદ ઝાપટું વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.જિલ્લા મથક ભુજમાં સવારે ૮ વાગ્યાના અરસામાં મીની વાવાઝોડા સમાન સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના પગલે ધૂળ પણ ઉડવા માંડી હતી. પવન શાંત થયા બાદ ઝાપટું વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના લોરિયા, માનકૂવા, સુખપર, મિરજાપર, ખાવડા, ધ્રંગ, ઝુરા, સુમરાસર પાવરપટ્ટી વિસ્તાર સહિતના ગામોમાં પણ ઝાપટું વરસ્યું હતું. પાવરપટ્ટી વિસ્તારમાં હરહંમેશની માફક વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન બન્યા હતા.અબડાસાના મુખ્ય મથક નલિયામાં પણ સવારે ભારે પવન ફુકાયા બાદ વરસેલા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માંડવી તાલુકાના ગઢશીશા ગામે પણ ૯ વાગ્યા આસપાસ વાતાવરણમાં પરિવર્તનથી ઝાપટું વરસ્યું હતું. ઝાપટા બાદ થોડી મિનિટો સુધી ઝરમરીયા જારી રહ્યા હતા. રાપર શહેરમાં ગત રાત્રિના તેમજ આજે સવારે ઝરમરીયા વરસ્યા હતા. રાપર શહેરમાં રાત્રિના તેમજ આજે સવારે ઝરમરીયા વરસ્યા હતા. ખડીર વિસ્તારના ગામોમાં પણ સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ધુપ-છાંવની સ્થિતિ જોવા મળી હતી. નખત્રાણા ઉપરાંત વિગોડી સહિતના ગામડાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે એકાએક ફુકાયેલ મિનિ વાવાઝોડા બાદ ભારે ઝાપટું વરસ્યું હતું. જેના લીધે માર્ગો પરથી જોસભેર પાણી વહી નીકળ્યા હતા. વાતાવરણમાં આવેલ પરિવર્તનથી સારા વરસાદની આશા પણ પુનઃ સર્જાઈ છે. સરહદી લખપત તાલુકાના પાનધ્રો, વર્માનગર સહિતના ગામોમાં પણ પવનના સુસવાટા બાદ વરસેલા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં ધુપ-છાંવની સ્થિતિ જોવા મળી હતી.