મોટી ખાખર હાઈસ્કૂલ સામે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ વૃધ્ધનું મૃત્યુ

ભુજ : કચ્છમાં અકસ્માત મોતનો સિલસિલો અકટવાનું નામ લેતો નથી ત્યાં આજે ફરી એકવાર અકસ્માત અને આપઘાતથી બે વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. મુન્દ્રાના મોટી ખાખર હાઈસ્કૂલ સામે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ વૃધ્ધનું આજે સવારે મોત નીપજ્યું હતું. તો મેઘપર કુંભારડીમાં યુવાને ગળે ફાંસો ખાધો હતો. હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત માહિતી અનુસાર મોટી ખાખર હાઈસ્કૂલની સામે હાઈવે રોડ પર ગતરાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. કાંતિલાલ ભાણજી વોરા નામના વૃધ્ધ ખાખરથી દેશલપર જતા હતા ત્યારે અચાનક હાઈવે રોડ પર અકસ્માત નડતા સારવાર માટે પ્રથમ બિદડા સર્વોદય ટ્રસ્ટ અને પછી ભુજ લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ જતા હતા ત્યારે રસ્તામાં કાંતિલાલ વોરાએ દમ તોડી દેતા જી.કે. જનરલ હોસ્પિટલમાં પીએમ માટે મૃતદેહને ખસેડવાની તજવીજ કરાઈ હતી. આજે સવારે મોત નીપજ્યું હતું. દરમ્યાન ગાંધીધામ તાલુકાના મેઘપર કુંભારડીમાં યુવાને ગળે ફાંસો ખાધો હતો. હતભાગી સુનીલ મદન મોહન મહારાણાએ પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પીએસઆઈ એમ.એમ. જોશીએ તપાસ હાથ ધરી છે.