સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ‘ડબલ’ વરસાદ વરસી ગયો, મધ્ય-ઉતર ગુજરાતમાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે

દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની તુલનાએ 10 ટકા વધુ વરસાદ પડયો છે. જયારે સૌરાષ્ટ-કચ્છમાં સામાન્ય વરસાદની તુલનાએ 100 ટકાથી વધુ વરસાદ પડયો છે.તો ઉતર-મધ્ય ગુજરાતમાં ગત વરસાદની તુલનાએ અત્યાર સુધીમાં ઓછો વરસાદ નોંધાયો છે.જયાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

હવામાન ખાતાના આંકડા પ્રમાણે 1લી જુનથી 16 જુલાઈ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 380 મીલીમીટર વરસાદ પડયો છે. જે સામાન્ય રીતે 189 મીલીમીટર જેટલો હોય છે એ સિવાય ગુજરાત ઝોનમાં 207 મિલીમીટર વરસાદ પડયો છે.જે સામાન્ય રીતે 307 મિલીમીટર જેટલો હોય છે.

દેશમાં કુલ 38 સબ ઝોન આવેલા છે. જેમાં 15 ઝોનમાં સામાન્ય તો 7 ઝોનમાં ઓછો વરસાદ તથા 14 ઝોનમાં વધારે વરસાદ પડયો છે. મહારાષ્ટ્રનાં મરાઠાવાડમાં સામાન્ય વરસાદની તુલનાએ 50 ટકા વધુ વરસાદ પડયો છે.જયારે વિદર્ભ 2 ટકા વધુ વરસાદ પડયો છે. મધ્ય મહારાષ્ટ્રમાં 24 ટકા વધુ તો મધ્ય પ્રદેશનાં પશ્ર્ચિમ ભાગમાં 20 ટકા વધુ તો પૂર્વમાં 9 ટકા વધુ વરસાદ પડયો છે.

જયારે રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં 17 ટકા ઓછો છે તો પૂર્વમાં 21 ટકા ઓછો વરસાદ પડયો છે. દેશનાં ઉતર-પશ્ચિમના તમામ ભાગમાં સામાન્યની તુલનાએ 16 ટકા ઓછો,મધ્ય ભારતમાં 16 ટકા વધુ અને દક્ષિણમાં 17 ટકા વધુ વરસાદ પડયો છે. તો પૂર્વ-ઉતર ભારતમાં 13 ટકા વધુ વરસાદ છે.

જુનમાં સારો વરસાદ પડયા પછી જુલાઈમાં તેની ગતિ ધીમી પડી ગઈ છે. જુલાઈમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી વરસાદની ગતિ ધીમી પડે તેવી શકયતા છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ ઉતર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.