મોટી માટલી ગામ પાસે અકસ્માતનો ભોગ બનેલા પરિવારના માતા-પુત્રના પણ મોત નિપજ્યાં

જામનગર જીલ્લાના કાલાવડથી 20 કિમી દુર જામનગર રોડ પર બે દિવસ પૂર્વે સવારે દૂધ ભરેલા ટેમ્પો અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટા ભાડુકીયા ગામના યુવાનનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર મૃત્યુ નિપજયા બાદ સારવાર હેઠળ જામનગરની જી.જી.હોસ્પિટલમાં તેમની પત્નીનું પણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ચાર વર્ષનાં બાળકે પણ રાત્રે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે નાશી ગયેલા દૂધના ટેમ્પોના ચાલક સામે ફરિયાદ નોધી છે.

આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ પંડ્યા (ઉ.37) અને તેના પતી મીરાબેન (ઉ.35) તેમજ ચાર વર્ષનું બાળક હર્ષ કે જેઓ ગઈ કાલે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં મોટા ભાડુકીયાથી જામનગરમાં એક સગાઈના પ્રસંગમાં હાજરી આપવા આવી રહ્યા હતા. જે દરમિયાન મોટી માટલી ગામના પુલ ઉપર દૂધ ભરેલા એક ટેમ્પોના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ભાવેશભાઈનો ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે પતી મીરાબેન અને પુત્ર હર્ષ કે જેઓ ગંભીર સ્વરૂપ એ ઘાયલ થયા હોવાથી 108 નંબરની એબ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મીરાબેને પણ દમ તોડયો હતો.અને પુત્ર હર્ષનું રાત્રે મૃત્યુ નિપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતરાઇ ભાઇ જામનગરમાં મોહનનગર વિસ્તારમાં રાજમોતી ટાઉનશીપમાં રહેતા દીપ શાંતિલાલ પંડ્યાએ ટેમ્પોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે નદીમાં પડેલો ટેમ્પો કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે.