રાજકોટમાં શરાબની 288 બોટલ સાથે બે ને ઝડપી પડાયા

ભક્તિનગર પોલીસ મથકે નોંધનિય કામગીરી કરનાર પીઆઇ વી.કે. ગઢવીની બદલી થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સાંભળ્યો છે. ચાર્જ સાંભળતા જ પીઆઇએ સપાટો બોલાવી દીધો છે. આજે દરોડામાં દારૂની 288 બોટલ સાથે 2 ને દબોચી લીધા હતા.

મળતી વિગત મુજબ પીઆઇ વી.કે.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ એએસાઈ બળભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ઝાલા વગેરે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કુવાડવા રોડ, ક્ષત્રીય કારડીયા રાજપુત ચોકથી પેડક રોડ તરફ વોચ ગોઠવી શંકાસ્પદ ઇકો કારને અટકાવી ઝડતી લેતા તેમાંથી દારૂની 96 બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા ચાલક જયદીપભાઇ દીપકભાઈ લહેરૂ (ઉ.વ. 27, રહે. રામકૃષ્ણ શેરી નં.-8, વિરાણી ચોક પાસે)ની પૂછપરછ કરતા દારુ મોરબી રોડ જકાતનાકા સામે, જયજવાન જયકિશાન રોડ ઉપર આવેલા અવધ કોલ ડેપો ખાતેથી અજયસિંહ દોલુભા ચુડાસમા (ઉ.વ.27, રહે. મીરાનગર શેરી નં.2, રૈયારોડ) પાસેથી ભરી લાવ્યો હોવાનું જણાવ્યુ હતુ.

આરોપીએ જણાવેલા સ્થળે દરોડો પાડતા આરોપી અજયસિંહ ચુડાસમાં ઝડપાય ગયો હતો અને કોલ ડેપોમાં તપાસ કરતા પ્રથમ દારુની 84 બોટલ મળી હતી. બાદમાં વધુ તપાસ કરતા કોલસાના કોથળાઓ પાછળથી વધુ 108 બોટલ નીકળી હતી.

રૂ. 1 લાખ 10 હજાર 100 નો દારૂનો જથ્થો, બે કાર, એ મોબાઈલ ફોન મળી રૂ. 8 લાખ 60 હજાર 100 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી અને દારૂની હેરાફેરીની વધુ તપાસ હાથ ધરી હતી.