બેંગલોરમાં સૌથી મોટી કોરોના હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 97% દર્દીઓનાં મોત થયા

કર્ણાટકના બેંગ્લોરમાં કોરોના વાયરસની સારવાર કરતી સૌથી મોટી હોસ્પિટલમાં ઈટાલી કરતા ખરાબ પરિસ્થિતિ છે. અહીંયા વેન્ટિલેટર પર 97 ટકા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. આ આંકડો ઈટાલી અને દુનિયાના સૌથી વધુ કોરોના મૃત્યુદર ધરાવતા દેશ કરતાં વધુ છે. એક રિપોર્ટ અનુસાર એપ્રિલમાં 100 વર્ષ જૂની વિક્ટોરિયા હોસ્પિટલને બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટથી જોડીને શહેરની પ્રથમ કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી હતી. હોસ્પિટલમાં એપ્રિલથી લઈને હમણાં સુધી કોરોનાથી કુલ 91 દર્દીઓના મોત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે મરનાર 91 દર્દીઓ પૈકી 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના એક વરિષ્ઠ અધિકારીના કહેવા અનુસાર હોસ્પિટલમાં 1500 કોરોના દર્દીઓ ભરતી કરવામાં આવ્યા હતા.