કાલાવડ નગરપાલિકાનો સદસ્ય પિસ્તોલ સાથે ઝડપાયો


જામનગરમાં તારીખ 3 જી ના રોજ એક બિલ્ડર પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલા એક શખ્સની કબુલાતના આધારે એલસીબી પોલીસે કાલાવડના એક શખ્સની પીસ્તોલ સાથે ધરપકડ કરી છે.પોતાના ભાઇએ કરેલા ખુન પ્રકરણમાં હત્યાનો બદલો હત્યાથી ન લેવાય તે માટે હથિયાર ખરીદયું હોવાની આરોપીએ કબુલાત કરી છે.જામનગર ક્રિષ્ના પાર્કમાં ગત તા. 3-7-2020 ના રોજ બિલ્ડર ગિરીશ ડેર પર હિતેષ ભગવતસિંહ ઝાલા, વાળા પ્રવિણ ગીગાભાઇ અને સંજય અરશીભાઇ બારડ નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતાં. જામનગર એલસીબીએ આ ત્રણેય શખ્સોને સાત દિવસના રીમાન્ડ પર લઇ પુછપરછ શરૂ કરી હતી. જેમાં જામનગરના કુખ્યાત શખ્સ રઝાક સોપારી અને તેના ભાઇ તેમજ જસપાલસિંહ જાડેજાની સંડોવણી ખુલવા પામી હતી. એલસીબીએ જસપાલની ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ પર લઇ પુછપરછ કરી હતી. બીજી તરફ રીમાન્ડ દરમ્યાન હિતેષ ઝાલાએ આપેલી કબુલાત આ આધારે એલસીબી પોલીસ કાલાવડ પહોંચી હતી અને ઇમરાન ગફાર સમા નામના શખ્સને આંતરી લીધો હતો.આ શખ્સ પાસેથી પોલીસે રૂા.50 હજારની કિંમતની એક પિસ્તોલ કબ્જે કરી હતી. આ હથીયાર આરોપી હિતુભાએ 10 માસ પૂર્વે રૂા.40 હજારમાં આરોપી નગર સેવક ઇમરાનને આપ્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર ગિરીશ ડેર પર જામનગરના જમીન માફીયા જયેશ પટેલે અન્ય શખ્સોની મદદથી સોપારી આપી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું. જો કે જયેશ પટેલ સુધી પોલીસ અઢી વર્ષ સુધી પોલીસ પહોંચી નથી તે પણ વાસ્તવિકતા છે.