ભુજમાં ઓનલાઈન ઠગાઈની વધુ 3 ઘટના : ૧.૩૪ લાખની થઈ છેતરપીંડી


ભુજ : કચ્છમાં થોડા દિવસોથી ઓનલાઈન ઠગાઈના બનાવો વધ્યા છે તેવામાં વધુ ત્રણ ચીટીંગના કેસો ભુજમાં નોંધાયા છે. ઓનલાઈન ઠગાઈ કરી રૂા.૧.૩પ લાખની રકમ ઉપાડી લેવામાં આવી છે. એટીએમકાર્ડ, ક્રેડિટકાર્ડના ઓટીપી અને પેટીએમના માધ્યમથી આ ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી છે. ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, સહયોગનગરમાં રહેતા શિવાંગીબેન કૌશલભાઈ ત્રિવેદી નામની મહિલાએ ઓનલાઈન ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. બે મોબાઈલ નંબરના ધારકો દ્વારા બેંક કર્મચારીનું ખોટું નામ ધારણ કરી ફરિયાદીને ફોન કરી ક્રેડિટકાર્ડ ડીકલાઈન કરવાના બહાને ફરિયાદી પાસેથી ઓટીપી મેળવી ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ રીતે રૂા.પ૮, ૬૯૮ રૂપિયાની પરચેઝ કરી છેતરપીંડી આચરી હતી જે અંગે પીઆઈ એમ.આર.બારોટે તપાસ હાથ ધરી છે.બીજી તરફ બી-ડિવિઝન પોલીસ મથકે પણ બે ગુના દાખલ થયા હતા. જેમાં તાહાનગર સુરલભીટ્ટ રોડ પર રહેતા આધેડ અબ્દુલ શકુર અબ્દુલ્લા મેમણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને એક ફોન કોલ આવ્યો હતો જેમાં પેટીએમ કેવાયસી એપ ડાઉનલોડ કરો તેમ કહી વિશ્વાસમાં લઈ ખાતામાંથી ત્રણ ટ્રાન્જેકશન કરી રૂા.૬પ,૩૪ર ઓનલાઈન ઉપાડી લીધા હતા. તો કોટડા ચકારમાં રહેતા જિગર દિલીપભાઈ સંઘાણીના પત્નીના મોબાઈલ નંબર પર ફોન આવ્યો હતો જેમાં તમારું જુનું એટીએમ કાર્ડ રિન્યૂ કરવાનું હોઈ તમારા ઓટીપી નંબર આપો તેમ કહીં ખાતામાંથી ત્રણ ટ્રાન્જેકશન કરી કુલ રૂા.૧૦ હજાર ઓનલાઈન ઉપાડી લેવાયા હતા જેથી ફરિયાદ નોંધાવાઈ છે. બન્ને બનાવો અંગે પીઆઈ એસ.બી.વસાવાએ તપાસ હાથ ધરી છે.