મોડવડર અને ખેડોઈ માંથી 412 બોટલ દારૂનો જથ્થો પકડાયો

અંજાર:અંજાર તાલુકાના મોટી ખેડોઈની વાડી માંથી 360 બોટલ અંગ્રેજી શરાબનો જથ્થો અને મોડવડર ગામના રહેણાંક મકાન પાછળના વાડામાં રાખવામાં આવેલ 52 શરાબનો જથ્થો એમ કુલ રૂ. 1,51,400ની કિંમતનો 412 બોટલ શરાબનો જથ્થો અંજાર પોલીસે ઝડપી લીધો હતો. બનાવ અંગે મળતી વિગતો મુજબ અંજાર પોલીસને બાતમી મળી હતી કે મોટી ખેડોઈ ગામમાં રહેતા ઋષિરાજસિંહ નરપતસિંહ જાડેજાએ તેની વાડીમાં મોટા પ્રમાણમાં વેચાણ અર્થે શરાબનો જથ્થો રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પડતા આરોપીની વાડી માંથી રૂ. 1,26,000ની કિંમતની 360 બોટલ અંગ્રેજી શરાબની મળી આવી હતી. બીજી તરફ મોડવડર ગામે મુકેશગર માયાગર ગુસાઈએ પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ વાડામાં શરાબનો જથ્થો રાખેલો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી 25,400ની કિંમતની અંગ્રેજી શરાબની 52 બોટલો ઝડપી પાડી હતી. અંજાર પોલીસના આ બંને દરોડા દરમ્યાન આરોપીઓ હાજર ન મળી આવતા પોલીસે કુલ રૂ. 1,51,400ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.