ઉમરપાડાના સટવાણમાં જમીન ખેડવા બાબતે થયેલ ઝગડામાં કાકાએ ભત્રીજાને લાકડીથી માર માર્યો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં સટવાણ ગામે બે ભાઈઓ વચ્ચે જમીન ખેડવા બાબતે થયેલ બોલાચાલીમાં કાકાએ ભત્રીજાને માથાના ભાગે લાકડીનો સપાટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાનાં સટવાણ ગામે ચુલી ફળિયામાં રહેતા ભીમસિંગભાઈ ડુંગરસિંગભાઈ વસાવા (56) નાઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેઓ ચાર ભાઈઓ છે. પિતાજીની ગામમાં જ જમીન આવેલ છે. જે જમીનમાંથી ચાર ભાઇઓના તેમજ તેમની માતાનો એક ભાગ પાડવામાં આવ્યો હતો. આઠેક મહિના પહેલા તેમની માતાનું મોત થતાં તેની જમીન એમ જ પડી હતી. માતાની જમીનમાં તેનો નાનોભાઈ રામસિંગ ડુંગરસિંગ વસાવા ટ્રેક્ટરથી ખેડાણ કરી રહયો હતો. જેથી ભીમસિંગે જણાવ્યુ હતું કે આ જમીનમાં આપણાં ચાર ભાઇઓના ભાગ કરવાના છે. ત્યારબાદ જેના હિસ્સામાં જેટલી જમીન આવે તેટલી ખેડવાની છે તેમ કહેતા રામસિંગ લાકડી લઈ દોડી આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ બોલાચાલી કરતાં ભીમસિંગભાઈનો પુત્ર જીજ્ઞેશ ત્યાં આવતા રામસિંગ તથા પુનજીભાઈ ડુંગરસિંગ વસાવાએ જીજ્ઞેશને માથાના ભાગે લાકડીનો સપાટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. જીજ્ઞેશને સારવાર માટે ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે ભીમસિંગભાઈએ બંને ભાઈઓ વિરુધ્ધ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.