પલસાણાના દસ્તાન ખાતે બાવળની ઝાડીમાં સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો પકડાયો
સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટાફના માણસોએ દસ્તાન ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારેલી ગામના બુટલેગરે દસ્તાન ગામની સીમમાં ખાડી કિનારે બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડયો હતો. પોલીસે 1.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે કારેલી ગામે નવી ગીરનાર ફળિયામાં રહેતો દિપક અંબુ નિકુમ એ દસ્તાન ગામની સીમમાં પાવરગ્રિડની બાજુમાંથી જતાં કાચા રસ્તા ઉપર ખાડી કિનારે બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. અને આ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરનાર છે. જે હકીકતના આધારે પલસાણા પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળા સ્થળે પહોંચી તપાસ કરતાં બાવળની ઝાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 1036 નંગ બોટલ જેની કિંમત રૂ. 1.75 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી દિપક નીકુમને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.