લીંબડી એસબીઆઇ બ્રાન્ચના કેશિયરે રૂપિયા ૫૫ હજાર જમા ન કરી ઉચાપત કર્યાની બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી

ઉચ્ચ અધિકારીઓ અને કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને અંતે કેશિયર સામે ફરિયાદ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

લીંબડી તાલુકાના ઝામડી ગામના દેવજીભાઈ ચોકાભાઈ રોજાસરા ગત તારીખ 15 જાન્યુઆરી લીંબડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં 55,000 રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. બેંકની કેસ સ્લીપ ભરી સિંગલ વિન્ડો કાઉન્ટર પર બેઠેલા કેશિયર હસમુખ વિષ્ણુપ્રસાદ રાવલને 55 હજાર રૂપિયા અને સ્લિપ આપી હતી, કેશિયરે ખાતેદારના ખાતામાં પૈસા જમા કર્યા વગર જ તેમને પાસબુક અને સ્લીપ પાછી આપી દીધી અને પૈસા પોતાની પાસે રાખી લીધા બાદમાં દેવજીભાઈ 4 ફેબ્રુઆરીએ નાણાં ઉપાડવા આવતા હકીકત જાણવા મળી હતી.

આથી આ અંગે તેઓએ બેંકના મેનેજર કેતનભાઈ કાછડીયા તથા આર.બી.આઈ માં ફરિયાદ કરતા તપાસમાં કેશિયર હસમુખ રાવલ દુબઈ ફરવા ગયો હોવાનું ખુલ્યું હતું. જોકે, પગ નીચે રેલો આવતા કેશિયરે તેના પુત્રના હાથે પૈસા પરત કર્યા હતા.જેથી તારીખ 17 ફેબ્રુઆરીએ બેંક દ્વારા દેવજીભાઈને 55,000 પરત કરી આપ્યા હતા. આમ ઉચ્ચ અધિકારીઓ અને કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને અંતે મેનેજરે તા.20 જુલાઈ એ કેશિયર સામે ફરિયાદ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા