ઝુરા ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ જોખમી મોબાઈલ ટાવર અન્યત્ર ખસેડવા માંગ

ભુજ તા. 23
ભુજ તાલુકાના ઝુરા ગામે વોર્ડ નં. 1 માં રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલો જોખમી મોબાઈલ ટાવર રહેણાંક વિસ્તારથી દૂર અન્યત્ર ખસેડવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ બાબતે આજુબાજુના રહેવાસીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, ડી.ડી.ઓ., પોલિસ અધિક્ષક, પ્રાંત અધિકારી તથા ટી.ડી.ઓ.ને સહીઓ સાથેનું લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવ્યા મૂજબ મોબાઈલ ટાવરના શક્તિશાળી રેડિયેશનના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. લોકો માનસિક તણાવનો શિકાર બન્યા છે. મેડિકલ સાયન્સ પણ કહે છે કે રેડિયેશનના કારણે બ્રેન ટ્યુમર તથા કેન્સર જેવી ઘાતક બિમારીઓની શક્યતા વધી જાય છે. આ સાથે જ્યારે ગામમાં વીજપૂરવઠો ખોરવાય છે ત્યારે ટાવરનો જનરેટર ઓટોમેટિક ચાલુ થઇ જાય છે આના લીધે ધ્વનિપ્રદૂષણ સાથે હવાનું પણ પ્રદૂષણ થાય છે. સતત ઘોંઘાટના કારણે લોકોની માનસિક શાંતિ હણાય છે. સાથે ધૂમાડાના કારણે લોકોને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડે છે તથા મકાનોની દિવાલો પણ ખરાબ થાય છે. રાત્રે પવન વધારે હોય છે ત્યારે ટાવર પર લગાડેલ મહાકાય ડિસો તથા ખૂલ્લા વાયરોના સૂસવાટાના કારણે લોકો શાંતિથી સૂઈ શકતા નથી અને અનિંદ્રાનો શિકાર બને છે. ટાવરના મેન્ટેનન્સ માટે આવતા શ્રમિકો ટાવર ઉપર ચડીને જ્યારે કામ કરતા હોય છે ત્યારે ઉપરથી ઘણી વાર નટ,બોલ્ટ વગેરે જેવી વસ્તુઓ નીચે પડતી હોય છે ત્યારે ઉંચાઈએથી પડતી આવી વસ્તુઓ રહીશો માટે જોખમરૂપ બને છે. આ ઉપરાંત ટાવર પર મોટી સંખ્યામાં પક્ષીઓ બેસે છે જેની ચરક પડવાના કારણે આજુબાજુના મકાનોની દિવાલો પણ ખરાબ થાય છે. આમ આ મોબાઈલ ટાવરના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે ગ્રામજનો દ્વારા થોડા સમય અગાઉ ઝુરા જૂથ ગ્રામ પંચાયત સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને પંચાયત દ્વારા કંપનીને નોટીસ પણ પાઠવવામાં આવી હતી પણ ટાવર ઓથોરિટીએ પોતાનો લૂલો બચાવ કર્યો છે. હવે લોકોનો રોષ ભભૂક્યો છે. આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકો દ્વારા જિલ્લા મથકે ધરણા તથા ભૂખ હડતાળ સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી આપવામાં આવી છે અને જરૂર પડ્યે નામદાર વડી અદાલતના દ્વાર ખટખટાવવા પણ તૈયારી દર્શાવાઇ છે.