ઊભેલી ટ્રકમાં શરાબ ભરેલ કાર ભટકાતા, ખેપિયાનું મોત નીપજયું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામની સીમમાંથી પસાર થતાં ને.હા-નં-48 ઉપર રોડની સાઇડમાં ઊભેલી ટ્રકમાં એક સ્કોર્પીયો કાર અથડાઇ હતી. સર્જાયેલા અકસ્માતમાં કારમાં બેસેલ એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે કાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.આ અંગે મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના અને હાલ કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામે સાઈનાથ કોમ્પ્લેક્ષમાં રહેતા બાબુલાલ કાલુરામ ચૌધરી નાઓ ટ્રાન્સપોર્ટ કંપની ચલાવી ગુજરાન ચલાવે છે. ગત તા-22 જુલાઇના રોજ ટ્રક નંબર આર.જે-04-જીબી-9151માં ડ્રાઈવર દિનારામ રાજુરામ ચૌધરી ઓરીસાથી સ્ટીલ પ્લેટનો સામાન ભરી બરોડા જવા માટે નીકળ્યો હતો. તે સમયે માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામની સીમમાં ને.હા.નં-48 ઉપર ટ્રકમાં ઇલેક્ટ્રીક ખામી આવતા ચાલકે ટ્રક રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તે સમયે પૂર ઝડપે આવી રહેલ એક સ્કોર્પીયો કાર નંબર એમ.એચ-06-એડબલ્યુ-9595ના ચાલકે ટ્રકની પાછળ કાર અથડાવી દીધી હતી. જેથી ટ્રક ચાલકે કાર નજીક પહોંચ્યો તો કારમાં બેસેલ એક વ્યક્તિનું મોત નીપજયું હતું. જ્યારે કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. મરણજનાર શખ્સના ખિસ્સામાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેનું નામ નિહાલ નિયાઝ અહમદ મલેક (રહે, જૂની હાઉસિંગ વાપી-પારડી, જી-વલસાડ) નો હોવાનું માલૂમ થયું હતું. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.