રક્ષાબંધનના દિવસે રેન્જ IG દ્વારા ઇલેકટ્રોનીક Cyber Samvad નું લોકાર્પણ

ભુજ. સોશિયલ મીડિયા મારફતે થઇ રહેલા ક્રાઇમનો ગ્રાફ ભારે ઉંચકાયો છે ત્યારે કચ્છ સરહદ રેન્જના આઇજીપી દ્વારા રક્ષાબંધનના દિવસે ઇલેકટ્રોનિક જેમ કે ફેસબુક, ટ્વિટર જેવા ડિવાઇસથી થતા ક્રાઇમ અંગે માહિતી પુરી પાડતી વેબસાઇટ લોકોને સમર્પિત કરી છે. ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ તથા યુ-ટ્યુબ જેવા વિવિધ સોશીયલ મીડીયા મારફતે Cyber Samvad ના નામથી સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો અવિરતપણે થઇ રહ્યા છે ત્યારે રક્ષાબંધનના દિવસે આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ અંગે તેમજ તેનાથી બચવાના ઉપાયોની સરળ ગુજરાતી ભાષામાં સમજ આપતી વેબસાઇટ CyberSamvad.com લોકોને સમર્પિત કરી હતી. ઓગસ્ટ 2018માં પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ, પાટણ તેમજ બનાસકાંઠા એમ ચારેય જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરાયા છે.

ભોગ બની જાય તો કયા પુરાવા સાથે અરજી કરવી તેની માહિતી ઉપલબ્ધ
વેબસાઇટ મારફતે લોકો વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ અંગે માહિતી મેળવી શકશે તેમજ જો કોઇ સાયબર ક્રાઇમનો ભોગ બની જાય તો તેઓએ કેવા પ્રકારના આધાર પૂરાવાઓ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી ફરીયાદ કરવી તેની માહિતી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આજકાલ લોકોને બેન્કના નામે અલગ અલગ નંબરો પરથી બોગસ કોલ આવી રહ્યા છે તો આવા નંબરો પણ આ વેબસાઇટ પર રીયલ ટાઇમમાં અપડેટ કરવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમથી બચવા શું કરવું અને શું ન કરવું? તેની માહિતી પણ આપવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ પ્રયાસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આઇજીપીએ અપીલ કરી હતી. વેબસાઇટ તૈયાર કરવા અને સતત અદ્યતન રાખવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ભાવિન સુથાર તેમજ તેઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. હિતેષ કમલકાંત જહેમત ઉઠાવી રહ્યા છે.