ભુજોડી ભચાઉ ઓવર બ્રીજના કામમાં ઝડપ લાવવા આદેશ

ભુજ તાલુકાના ભુજોડી પાસેનો અને ભચાઉના ઓવર બ્રીજના કામમાં ઝડપ લાવવા માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા જવાબદાર મુંબઇની વાલેચા કંપનીને આદેશ કરાયો છે.ભચાઉ, ભુજોડી ઓવર બ્રીજનું કામ લાંબા સમયથી બંધ હાલતમાં હતું. મુંબઇની વાલેચા કંપનીએ આ કામ પેટા કોન્ટ્રાક્ટરને આપતાં કામગીરી ખોરંભે ચડી છે. ઓવર બ્રીજની કામગીરી અગાઉ તા.30 જુન-2020 સુધીમાં પૂર્ણ કરવાની હતી પરંતુ તે સમય મર્યદામાં પૂર્ણ ન થતાં મુદત વધારીને તા.30 એપ્રિલ 2021 કરાઇ છે. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી બંધ ઓવર બ્રીજનું કામ શરૂ કરવા કલેક્ટરથી લઇને મુખ્યમંત્રી, જી.એસ.આર.ડી.સી. સમક્ષ રજૂઆતો કરાઇ હતી.
ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા તા.28/7ના પત્રથી ઓવર બ્રીજની કામગીરી કરતી કંપનીને પત્ર પાઠવીને વધારાયેલી મુદતમાં કામ પૂર્ણ કરવા માટે કામમાં ઝડપ લાવવા આદેશ કરાયો છે. આ અંગે ચેમ્બર પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે, મજૂરોના અભાવે હાલે કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. લાંબા સમય બાદ શરૂ થયેલું કામ હવે બંધ ન થાય તો જ સમયસર સંપન્ન થઇ શકશે.