દીકરીને અપશબ્દો બોલનાર યુવાન વિશે વાત કરનાર માતાને માર પડ્યો


સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં ભાટકોલ ગામે રહેતી એક દીકરી ઘરના આંગણામાં રમી રહી હતી તે દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ એક શખ્સ દીકરીને અપશબ્દો બોલી રહ્યો હતો જેથી માતાએ દીકરીને આવા લોકોના મોઢે ન લાગવા જણાવતા શખ્સે માતાને માથાના ભાગે લાકડીનો ફટકો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાનાં ભાટકોલ ગામે અભિષેકનગરમાં રહેતી 40 વર્ષીય મહિલાની દીકરી ગતરોજ પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમયે ત્યાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલ હનીફ બેગ ઉર્ફે અસ્લમ ઉર્ફે મંગલગની બેગ મિરજા (રહે, અભિષેકનગર, ભાટકોલ, તા-માંગરોળ) દીકરીને અપશબ્દો બોલતા દીકરીએ તેની માતાને બૂમ મારતા માતા ઘરની બહાર આવી હતી અને દીકરીને જણાવ્યુ હતું કે આવા લોકોના મોઢે લાગવું નહીં તેમ કહેતા હનીફ મિરજા ઉશ્કેરાઈ જઈ મહિલાને માથાના ભાગે લાકડીનો સપાટો મારી ઇજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મહિલાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.