લાકડિયા નજીક યુવાનની હત્યાના ગુનામાં સાત આરોપીના જામીન ના મંજૂર

લાકડિયા નજીક હોટેલ પાસે ચોરી કે લૂંટના ઈરાદે આવેલા યુવાનને માર મારી તેની હત્યા નીપજાવવાના બનાવમાં સાત આરોપીના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. માય ગામમાં જમાઈની હત્યાના પ્રકરણે સસરાના જામની પણ નકારી દેવામાં આવ્યા હતા. લાકડિયા નજીક હનુમાન હોટેલ પાસે લૂંટની કોશિશ કરનારા જમાલ જુસબ ભટ્ટી નામના યુવાનને પકડી પાડી તેને માર મારવામાં આવ્યો હતો અને તેની હત્યા નીપજાવવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી ગોકલારામ તુલસારામ જાટ, સોનારામ બધારામ જાટ, ચોકીદાર કેવલરામ જાટ, હનુમાનરામ જાટ, કરીમ ઓસમાણ રાઉમા, હનુભા હેતુભા જાડેજા અને ભાગીરથ બિશ્નોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં પકડાયેલા પાંચ પરપ્રાંતીય શખ્સોએ જામીન ઉપર મુક્ત થવા તથા પોલીસના હાથમાં ન આવેલા હનુભા જાડેજા અને કરીમ રાઉમાએ આગોતરા માટે ભચાઉની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં સુનાવણી દરમ્યાન સરકારી વકીલે તાર્કિક અને ધારદાર દલીલો કરતાં તેમની દલીલો ગાહ્ય રાખી આ સાતેય આરોપીઓના જામીન નકારી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ માય ગામમાં મામદ ઓસમાણ ખલીફાની ગત તા. 14/12/2019ના હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણના આરોપી કિશોરસિંહ જાડેજાએ અગાઉ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. દરમ્યાન પોતાના જમાઈની હત્યા કરનારા લતીફ ઓસમાણ ખલીફાએ ચાર્જશીટ પછી જામીન ઉપર મુક્ત થવા ભચાઉની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. બન્ને પક્ષોની દલીલો બાદ આ અરજી ફગાવી દઈ જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. આ બન્ને કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી.બી. જોગી હાજર રહ્યા હતા.’