સુરતમાં રાંદેરમાં કોઝવે સર્કલ પાસે છૂટક MD ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું

સુરતમાં રાંદેરના કોઝવે સર્કલ નજીક રાજુનગરમાં એસ.ઓ.જીએ પતરાના છતવાળા એક મકાનમાં દરોડો પાડી છૂટક એમડી.ડ્રગ્સ વેચતા દંપતીને રૂ..45 હજારના મુદ્દામાલ  9 ગ્રામ એમડી.ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. તેમની પુછપરછના આધારે એસ.ઓ.જીએ ડ્રગ્સ વેચવા આપનાર ભરૃચી ભાગળ ઝુપડપટ્ટીના યુવાનને પણ પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. સુરતમાં લાંબા સમયથી નશીલા પદાર્થનું ખુલેઆમ વેચાણ થાય છે ત્યારે આ મામલે પોલીસને હકીકત મળી હતી કે રાંદેર કોઝવે સર્કલ રાજુનગર પ્લોટ નં.27/331 માં પતરાના છતવાળા એક મકાનમાં એમ.ડી.ડ્રગ્સનું છૂટક વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે ગતરોજ પોલીસે દરોડો પાડતા અહીંયા મોહમદસલીમ મોહમદસફી મેમણ અને તેની પત્ની જોહરાબીબીને પોલીસે ઝડપી લીધા હતા. એસ.ઓ.જીએ તેમની પાસેથી રૂ.45 હજારની કિંમતનું 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અગાઉ હત્યાના પ્રયાસ, ચોરીના ગુનામાં ઝડપાયેલા મોહમદસલીમ અને તેની પત્નીની પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેમને રાંદેરની ભરૃચી ભાગળ ઝૂંપડપટ્ટીમાં રહેતો આલમજેબ ઉર્ફે આલમ ગોલ્ડન મોહમદ અયૂબ ઉર્ફે મગરુ શેખ આપી ગયો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.