સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પ્રજાજનોએ લીમડી-વઢવાણ રોડ ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો લાગી
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે વઢવાણ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૯ના રહિશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોતાં રોષ જોવા મળ્યો હતો અને અનેક રજુઆતો બાદ પણ કોઈ જ નિવેડો ન આવતાં વઢવાણ લીમડી રોડ પર પ્રજાજનોએ ચક્કાજામ કર્યો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વઢવાણ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૯ ના છેવાડાના એવાં ખાણ વિસ્તાર સહિત આસપાસનાં અનુસુચિત જાતિના વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી અને સફાઈ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાથી આ વિસ્તારનાં અનેક પરિવારો સહિત વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે અનેક વખત સ્થાનીક સદસ્યો સહિત પાલિકા તંત્રને લેખીત અને મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ જ નિવેડો આવ્યો નહોતો. જેથી રોષે ભરાઈ સ્થાનિક લોકો અને મહિલાઓ સહિત રહિશોએ લીમડી વઢવાણ પાસે આવેલ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જેને પગલે રોડની બંન્ને સાઈડ વાહનોની લાંબી કતારો પણ લાગી જવા પામી હતી.
પ્રાથમિક સુવિધાના મામલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વોર્ડ નંબર નવના રહેવાસીઓ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ લીંબડી હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોકા સમજાવીને મામલો થાળે પાડયો હતો.