દિનપ્રતિદિન ક્રાઇમની દુનિયા વિસ્તરતી જતી હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં રૂપિયા આપવાની મનાઈ કરતાં યુવાન ઉપર છરી વડે હુમલો કરી તેની પાસેથી રૂા. આઠ હજાર રોકડાની લૂંટ ચલાવાઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત આરીફ અનવર મણિયાર (ઉ.વ.28)ને સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. શહેરમાં મોટા પીર ચાર રસ્તા નજીક સંજોગનગર ખાતે રહેતો ભોગ બનનાર આરીફ મણિયાર બાઇકથી જઇ રહ્યો હતો ત્યારે સવારના અરસામાં મોટા પીરની દરગાહ તરફ જતા રોડ ઉપર સંસ્કાર સ્કૂલની સામે તેની સાથે હુમલા-લૂંટની આ ઘટના બની હતી. આ કૃત્ય કરનાર તરીકે તાહિર કુરેશીનું નામ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં લખાવાયું છે. પોલીસે ઇજાગ્રસ્ત આરીફના મિત્ર સદામ સીદી જમાદારે લખાવેલી આ વિગતોને ટાંકીને જણાવ્યું હતું કે તાહિર કુરેશી કાળા રંગની બજાજ પલ્સર બાઇકથી આવ્યો હતો અને તેણે આરીફ પાસેથી રૂપિયાની માગણી કરી હતી. આરીફે આ માટે ઇન્કાર કરતાં તેના ઉપર છરી વડે હુમલો કરી તેને હથેળી અને આંગળીઓમાં ઇજા કરાઇ હતી અને તેની પાસેથી રૂા. આઠ હજાર લૂંટી જવાયા હતા. બનાવ બાદ તાહિર નાસી ગયો હતો.ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.