સુરતના નવા પોલીસ કમિશનરની સ્પેશિયલ ઝુંબેશ , 2 કોલ સેન્ટર, 1 ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ કરી પાંજરે પૂર્યા

સુરત શહેરના 22મા પોલીસ કમિશનર તરીકે અજય તોમરે 3 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. 3થી લઈને 20 ઓગસ્ટ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજી સપાટો બોલાવવામાં આવ્યો હતો. જેમાં 2 મોટા કોલ સેન્ટર, 1 ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ-જુગારના 2009 આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

સુરતના નવા પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દારૂના ગુનામાં કુલ 1286 કેસમાં 1308 આરોપીઓની 68.24 લાખ સાથે ઝડપાયા છે. લિસ્ટેટ બૂટલેગર પંકજ ધનસુખભાઈ રાણા સામે કુલ 3 કેસ અને કલ્પના જીતુભાઈ પટેલની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે જુગારના ગુનામાં કુલ 126 કેસમાં 701 આરોપીઓની 73. 64 લાખ સાથે ઝડપાયા છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ ડ્રાઈવ દરમિયાન જાણીતા ગુનેગારો વિરુદ્ધ પ્રભાવી કામગીરી કરવામાં આવી છે. જેમાં 186 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. 82 જટેલા ગુમ અથવા અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે નાસતા ફરતા 11 જેટલા આરોપીને પણ શોધી કાઢવામાં આવ્યા છે. આ સાથે 34 આરોપીને પાસામાં ધકેલ્યા છે. જ્યારે અલગ અલગ કલમો હેઠળ કુલ 1067 આરોપીઓની અટક કરવામાં આવી છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કેટલાક અસામાજિક તત્વો એવા છે જે પોતાને ગેંગસ્ટર માની રહ્યા છે. તેના ઈસમો વિષે જાણકારી મેળવી ત્રણ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં આસિફ ટમેટાગેંગ, વિપુલ ગાજીપરાગેંગ અને હેમુ પરદેશી ગેંગ સામે કેસો નોંધી કેટલાક સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે અન્યોની ઝડપી પાડવાની કામગીરી ચાલુ છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ કેસ સાથે જુદા-જુદા ગુનાઓમાં વિશેષ કામગીરી કરવામાં આવી છે. જેમાં ગત 17મીના રોજ જહાંગીરપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલસેન્ટરમાંથી 19ની 6.31ની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી વિકી અને તેની બહેર વોન્ટેડ છે. ગત 18મીના રોજ પાલ ખઆતે મોનાર્ક આર્કેડમાંથી ઓનલાઈન જુગાર ઝડપી પાડવામાં આવ્યું છે અને 13 આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે રાંદેરમાંથી એમડી ડ્ર્ગ્સ વેચતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે 20 ઓગસ્ટના રોજ અડાજણ વિસ્તારમાં ચાલતા અન્ય એક કોલ સેન્ટરમાંથી 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.