નાના વાલ્કા અને બાડામાં જુગાર રમતાં 11 ખેલીઓ ઝડપાયા

નખત્રાણા તાલુકાના નાના વાલ્કા ગામે તેમજ માંડવી તાલુકાના બાડા ગામે સ્થાનિક પોલીસે દરોડા પાડી જુગાર રમતાં 11 ખેલીને ઝડપી પાડી અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ તહોમતદારો પાસેથી રૂા. 34 હજારથી વધુની માલમત્તા કબજે કરવામાં આવી હતી. સત્તાવાર સાધનો દ્વારા મળતી માહિતી મુજબ નખત્રાણા પોલીસે સંધ્યા સમયે નાના વાલ્કા ગામે દરોડો પાડયો હતો. જેમાં ગામના કોમ્યુનિટી હોલના ઓટલા ઉપર ધાણીપાસા વડે જુગાર રમી રહેલા નવ આરોપીની અટક કરી હતી. ઝડપાયેલા તહોમતદારોમાં વાલ્કા મોટાના અમિત શંભુલાલ ભટી, મીઠુ નારાણ જેપાર, અબ્દુલ્લ અલી સુમરા, નાના વાલ્કાના રવજી રામજી વણકર, ગોપાલ નારાણ સીજુ, પ્રકાશ લખુ સીજુ, લખુ ગાભા સીજુ, ભીમજી વેલજી રાઠોડ અને કરશન વિશ્રામ સીજુનો સમાવેશ થાય છે. તહોમતદારો પાસેથી રૂા. 16 હજાર રોકડા ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 22,090ની માલમત્તા કબજે કરાઇ હતી. જયારે બાડા ગામે માંડવી પોલીસના દરોડામાં ગામના રમેશ જેઠા મહેશ્વરી અને પ્રેમજી ખજુરીયા થારૂને તીનપતીનો જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે થયેલી આ કાર્યવાહીમાં બન્ને આરોપી પાસેથી રૂા. 2,930 રોકડા અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા. નવ હજારની માલમત્તા કબજે કરી ગુનો દાખલ કરાયો હતો.”