પબજી ગેમમાં પોઈન્ટ ટ્રાન્સફર કરવાના ઝઘડામાં 11 વર્ષના કિશોરની ગળું દબાવી હત્યા

આજના આ સમય કોણ ,ક્યારે, શું કરી શકે ? કઈ કહી શકાય તેવું નથી .તેવો જ એક ચોંકાવનારો કિસ્સો પાંડેસરામાં બન્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરામાં પબજી ગેમ રમવાની બાબતે આકાશ નામના 11 વર્ષીય કિશોર સાથે તેના 19 વર્ષીય મિત્રનો ઝઘડો થતાં તેણે કિશોરનું ગળુ દબાવી હત્યા કરી હતી. આકાશ પરિવારનો એક માત્ર પુત્ર હતો. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાની પૂછપરછ શરૂ કરી છે. મૃતકે પબજી ગેમમાં હત્યારાના આઇડીમાંથી પોઇન્ટ ટ્રાન્સફર કર્યા જેવી નજીવી બાબતે ઝઘડો કર્યો હતો.આકાશની હત્યા કર્યા બાદ હત્યારા અમન સુરેશ શિવહરે(જીવનદીપ સોસા, પાંડેસરા, મૂળ ઝારખંડ) લાશને પોતાના ઘરમાં પલંગ નીચે ચાદર ઓઢાડી ભાગી ગયો હતો. રાત્રે હત્યારાનો રૂમ પાર્ટનર નોકરીથી આવી સુવા માટે ચાદર લેવા ગયો ત્યારે લાશ જોઇ હતી. રૂમ પાર્ટનરે પડોશીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. હત્યારો કિશોરને શોધખોળ કરવા મૃતકના પરિવારની સાથે આવ્યો હતો.વહાલસોયા એક માત્ર દીકરાની હત્યાથી પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.ગળે ટુપો આપી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય બાળકના મોઢામાંથી ફીણ નીકળ્યા હોવાથી ઝેર આપ્યું છે કે નહી તે માટે સેમ્પલ લીધા છે. તેવી જ રીતે બાળક સાથે શારીરીક બળજબરી થઈ છે કે કેમ તેની તપાસ માટે પણ સેમ્પલ લીધા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.