મોટા રેહા તેમજ લાખાપર ગામ પાસેથી શરાબનો જથ્થો ઝડપાયો , બંને બનાવમાં આરોપીઓ ફરાર

ભુજ તાલુકાના મોટા રેહા ગામ પાસે પોલીસ જીપનો પીછો કરી રહી હતી, ત્યારે દારૂ ભરેલી જીપ વીજ થાંભલા સાથે અથડાતા આરોપી ફરાર થઇ ગયો હતો. જે જીપમાંથી 33 હજારનો શરાબ મળી આવ્યો હતો. તો અંજાર તાલુકાના લાખાપર ગામ પાસે પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 84 બોટલ શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. મોટા રેહામાં દારૂ ભરેલી જીપ થાંભલામાં અથડાઇ તો લાખાપરમાં પાણીના લીધે કાર માર્ગ નીચે ઉતરી ,જેવા 2 બનાવોમાં બુટલેગરો હાથ લાગ્યા હતાં. એક સ્થળે 33 હજાર અને બીજા સ્થળેથી 29 હજારનો શરાબ મળ્યો હતો. બન્ને બનાવોમાં આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ પધ્ધર પોલીસને મળેલી બાતમીના પગલે મોટા રેહા ગામના તળાવની પાછળ આવેલ કાચા રસ્તા પાસેથી જી.જે.12 સીજી 4098 નંબરની બોલેરો કેમ્પર જીપનો પીછો કરાયો હતો. જીપ પર વીજ પોલ પડતા આરોપી ફરાર થઇ ગયો હતો. જીપમાંથી વિદેશી શરાબની 96 બોટલ કિંમત રૂપિયા 33,600નો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
લાખાપરના બનાવમાં પોલીસને બાતમી મળી હતી કે દુધઈથી ચંદ્રાણી થઈ અંજાર આવતી ઇનોવા કાર નં. જીજે 5 જેકયુ 3393માં ભુજની લોટસ કોલોનીમાં રહેતો ઇબ્રાહિમ હાસમ કેવર તથા રાવલવાડીમાં રહેતો કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા અંગ્રેજી શરાબનો જથ્થો લઈ પસાર થઈ રહ્યા છે. ત્યારે બાતમી વાળી ગાડી પસાર થતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જેથી પીછો થતો જોઈ આરોપીઓ ભાગવાની કોશિશ કરતા લાખપર પાસે વરસાદી પાણીના કારણે ઇનોવા કાર સાઈડમાં ઉતરી ગઈ હતી. જેથી આરોપીઓ પાણી અને બાવળની ઝાડીનો લાભ લઇ નાસી ગયા હતા. જેથી પોલીસે કારમાં રહેલો રૂ. 29,400ની કિંમતની અંગ્રેજી શરાબની 84 બોટલ તથા 4,50,000ના કિંમતની કાર સહિત કુલ રૂ. 4,79,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.