ગુજરાત સરકારે પાક નુકસાનની જાહેર કરેલી સહાય ખેડૂતો માટે પૂરતી છે ખરી?

“આ સહાય નહીં, ખેડૂતોની મશ્કરી છે,” ગુજરાત સરકારે તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન વેઠનાર ખેડૂતોને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ (SDRF) અંતર્ગત જાહેર કરેલી સહાયની રકમ અંગે જાણીને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વડાદરા ગામના ખેડૂત જયસુખભાઈના મોઢેથી આ શબ્દો સરી પડ્યા.તેઓ આગળ કહે છે કે, “સરકારે પાકવીમાનો હક છીનવી લઈ, ખેડૂતોના હાથમાં પાકનુકસાનીના વળતર પેટ સાવ ક્ષુલ્લક રકમ આવે એવી વ્યવસ્થા ગોઠવી હોય એવું લાગે છે.”“આટલા પૈસા તો પ્રતિ હેક્ટર બિયારણ અને ખાતરની ખરીદી માટે પણ ઓછા પડે. સહાયના નામે અમારી મજાક કરાઈ રહી હોય એવું લાગે છે.”ખેડૂત જયસુખભાઈએ ખૂબ આશા સાથે પોતાના 20 વીઘાના ખેતરમાં મગફળી અને કપાસ વાવ્યાં હતાં.જે અતિશય વરસાદને પગલે ધોવાઈ જતાં તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોવાનું જણાવે છે, ઉપરાંત સમગ્ર પંથકના ખેડૂતોની પણ કંઈક આવી જ હાલત હોવાની વાત જણાવે છે.નોંધનીય છે કે ખેતી અને ખેડૂતો માટે વરદાન સ્વરૂપ ગણાતા વરસાદને આજકાલ ખેતી નિષ્ણાતો રાજ્યના ખેડૂતો માટે એક મહામુશ્કેલી ગણાવી રહ્યા છે.જે કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે ઊભા પાકને નુકસાન થયું છે.તેમાં પણ મોટા ભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભારે વરસાદને પગલે ખેતરોમાંથી પાણી હજુ ઓસર્યાં નથી.કેટલાક ખેડૂત આગેવાનો દ્વારા તો અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં ભરાયેલાં પાણી અંગે સરકારનું ધ્યાન દોરવા માટે ખેતરોમાં જ તરણસ્પર્ધા યોજી હોવાનું જાણવા મળ્યું છે.હવે જ્યારે સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે વળતરની ચૂકવણી બાબતે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.જેમાં ખેડૂતોને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડના નિયમોને આધારે ચૂકવણી કરવાની જાહેરાત કરાઈ છે . ત્યારે આ ફંડમાંથી નુકસાની માટેની સહાય ચૂકવવા માટે કઈ પ્રક્રિયા અનુસરાય છે? કેવી રીતે આ નુકસાનીનાં નાણાં ચૂકવાશે? એ પ્રશ્ન સામાન્ય જનતા અને ખેડૂતોનાં મનમાં ઊઠી રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવે છે.
ખાસ સૂત્રો મારફતે