ભુજમાં રખડતા ઢોરને પકડી દંડ કરવા નગરપાલિકાને સૂચના અપાયું


શહેરમાં રખડતા તમામ ઢોરને પકડી સંબંધિત ઢોર માલિક સામે દંડ કરવા મદદનીશ કલેક્ટર તરફથી બેઠકમાં નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી. મદદ કલેક્ટર મનીષ ગુરવાણીના અધ્યક્ષસ્થાને બેઠક રાખવામાં આવી હતી. મામલતદાર સુમરા, ડી.વાય.એસ.પી. પંચાલ, ચીફ ઓફિસર બોડાત, ટી.ડી.ઓ રાઠોડ, ટી.એચ.ઓ. પરમાર, નાયબ મામલતદાર હેલ્થ સ્ટાફ તથા ભુજ શહેરના થાણાના તથા ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર/ સબ ઈન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.’ કોરોના પોઝિટિવ કેસના વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે તેમાં હેલ્થ સર્વેલન્સ/ચકાસણી, બેરીકેટિંગ તથા પોલીસ બંદોબસ્ત અને સેનિટાઈઝેશન કરવા હેલ્થ ઓફિસર, પોલીસ તંત્ર અને નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી.’ આરોગ્ય સેતુ એપના ડેટા મુજબ અસરકારક સર્વેલન્સ, ટેસ્ટિંગ કરવા, કન્ટેઈનમેન્ટ ઝોન ચેકિંગ કરી, જરૂરી પગલાં લેવા સંબંધિત પોલીસ ઈન્સ્પેક્ટર, નાયબ મામલતદારને જણાવાયું હતું. શહેરમાં રખડતા તમામ ઢોરને પકડી, સંબંધિત ઢોર માલિકને દંડ કરવા અને પોલીસ ફરિયાદ કરવા ચીફ ઓફિસર ભુજ અને પોલીસ તંત્રને તાકીદ કરવામાં આવી હતી.’ ભુજ નગરપાલિકા વિસ્તારમાં જાહેર જગ્યાએ ઘાસચારો વેચતા ઈસમોની વિગતો પૂરી પાડી, તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ દાખલ કરી, આવી પ્રવૃત્તિ બંધ કરાવવા નગરપાલિકા અને પોલીસ ઈન્સ્પેક્ટરને સૂચના આપી, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અંગે તમામે સમજૂતી કરી.’