વરસાદ તથા ફુગના સંક્રમણે બાગાયત પાકોમાં નુકસાનની ભીતિ


કચ્છીઓની મેઘતૃષ્ણા એટલી તીવ્ર છે કે ગમે તેટલું નુકસાન થાય પણ જીભે `વસમાં સો રસ’ શબ્દ ટપકે… લાંબા વરસાદે કચ્છ `પાણીદાર’ બન્યું છે. શિયાળુ પાક સારો થશે તેવી આશા છે પણ, ફુગના સંક્રમણે દાડમ-પપૈયા સહિતના પાકોને એટલું નુકસાન કર્યું છે જેનો સાચો સર્વે થાય તો અધધધ… આંક બહાર આવે તેમ છે. આખેઆખા ખેતર સડી ગયા છે. નિયામક કહે છે, સરકારને અહેવાલ આપવા તૈયાર છું. ખેડૂતો અરજી કરે…! ઓગસ્ટ આખો મહિનો કચ્છની નદીઓ વહી છે. ફાયદો થયો છે. જનસામાન્ય કોરોનાની પીડા ભુલ્યો છે. પશુધન `ડંઢ’ થઈને સાંજે પરત ફરે છે. બીજી બાજુ દાડમનો પાક જે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં જેણે પકડાવ્યો હતો તે સડી ગયો છે. ફુગનું આક્રમણ એટલું તીવ્ર છે કે આખો પાલો ઊઠી ગયો છે. એકરે 80થી એક લાખ સુધીનો ખર્ચ કરનાર કચ્છી ખેડૂતને જે તમાચો ચોટયો છે તેનું દર્દ હવે બહાર આવી રહ્યું છે. આ ખેડૂતોએ રવિવારે દહીંસરા માર્ગે એક જાહેર બેઠકનું આયોજન કર્યું છે. કચ્છના’ બાગાયત નિયામક કુલદીપસિંહ સોજીત્રાને નુકસાનીના સર્વે વિશે કચ્છમિત્રે પુછયું તો તેણે કહ્યું, મને સામાન્ય અંદાજ છે પણ એકેય ખેડૂતે અરજી કરી નથી જો. કિસાન 7-12ના ઉતારા સાથે અરજી કરે તો તંત્ર સર્વે કરાવશે. લખપત, અબડાસા, માંડવી, મુંદરા, ગાંધીધામથી ભચાઉ-રાપર અને ભુજ તાલુકાની વાડીઓમાં કચ્છમિત્રની ટીમે પ્રવાસ કરતાં ઠેરઠેર સોથ વળી ગયેલો દેખાય છે. મુંદરાના રાજિયાભાઈ ગઢવી, રાપરના હમુભા સોઢા, લખપતના અદ્રેમાનભાઈ, ચોવીસીના વિનોદભાઈ વેકરિયા, ભચાઉમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના દાડમના બગીચાને નુકસાન છે. આ તો માત્ર નમૂના છે. કોટડા ચકાર પટ્ટી, નખત્રાણા બાજુ માકપટ, મોટા લાયજાથી ઝરપરા વાયા કાઠડા, શિરવા, મેરાઉ, પદમપર, જનકપર, ચોવીસીના સામત્રાથી માધાપર, કોડકીથી કેરા સહિત સમગ્ર કચ્છમાં પપૈયા, દાડમ સહિતના પાકો સડી ગયા છે. જ્યાં થોડું ઘણું બચ્યું છે તે સડવાની કગારે છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સરકાર સર્વે કરાવે અને ઝાડ દીઠ રાહત આપે. દવા વેચનાર દુકાનદારો લાખોના બિલ માંગે છે. ચૂકવવા પૈસા નથી. દાડમની ખેતી ખર્ચાળ છે. મે-જૂનમાં કોરોનાના કારણે ભાવ ન આવ્યા, જુલાથી ફુગનું આક્રમણ તીવ્ર બન્યું અને ઓગસ્ટના છેલ્લા’ વરસાદે સોથ વાળી નાખ્યો, જેનો પાક 20થી 30 લાખનો થવા અંદાજ હતો તેને ખાલી કરવા સામેથી ખર્ચ વેંઢારવો પડે તેમ છે. ખેડૂતો સરકાર પાસેથી કૃષિદવામાં ભાવ નિયંત્રણ માગે છે. જે દવા કે ખાતર 300 રૂપિયે વેચાય છે તેના પર 1પ00થી 3000 જેટલી એમ.આર.પી. લખેલી હોય છે. જો કે તે એક અલગ વિષય છે. ચૂંટણી વખતે સરકાર ખેડૂતોના ખાતામાં પ-7 હજાર રૂપિયા જમા કરે છે તેના બદલે આવા સમયે પૃચ્છા કરે તો સધિયારો મળે એમ ધરતીપુત્રો કહે છે. રવિવારે ખેડૂતોની બેઠક , બાગાયત સહિતના દરેક પાકોમાં જે કિસાનોને નુકસાન થયું છે તેના સર્વે કરાવવા સહિત તંત્રને રજૂઆત કરવા વિચાર વિમર્શ બેઠકનું આયોજન દહીંસરા-કેરા માર્ગે વિનોદભાઈ કેરાઈની વાડીમાં રવિવારે સવારે 10?કલાકે કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુકોએ 98796 00427′ પર સંપર્ક?કરવા જણાવાયું છે. તો તંત્ર સુધી નુકસાનીની વિગતો પહોંચાડવા બહુમાળી ભવન બાગાયત નિયામક કુલદીપસિંહ સોજીત્રા 94290 47459નો સંપર્ક કરવા જણાવાયું છે.
પ્રતિનિધિ મારફતે